Home Gujarat Bjp Internal Politics Before Local Elections Ahmedabad Bjp Whatsapp Group Chat Viral On Social Media

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં ભાજપમાં ભડકો : ધારાસભ્ય હિટલરશાહી ચલાવતા હોવાનો કાર્યકરોનો બળાપો, અમદાવાદ ભાજપના વ્હોટ્સએપ મેસેજ વાયરલ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં ભાજપમાં ભડકો
Published by: OBS Bureau
Last Updated: Mar 15, 2026, 05:42 AM IST

BJP Internal Politics: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત રાજ્યની વિવિધ પાલિકાઓની ચૂંટણીઓનું બિગૂલ ફૂંકાઈ ચુક્યું છે. સત્તાધીશોની ટર્મ પુરી થતા તેમને અપાયેલી સુવિધાઓ પણ પરત લઈ લેવામાં આવી છે. હવે બસ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાતની રાહ જોવાઈ રહી છે. જોકે, ચૂંટણીઓની જાહેરાત પહેલાં જ અમદાવાદ ભાજપમાં ભડકો થયો છે. અમદાવાદના ભાજપના જ એક વ્હોટસએપ ગ્રૂપમાં સ્થાનિક ધારાસભ્ય વિરુદ્ધ કાર્યકરોમાં રોષ ફાટી નીકળ્યો છે. જેની વ્હોટ્સએપ ચેટ વાયરલ થતાં હાલ અમદાવાદ ભાજપમાં હડકંપ મચી ગયો છે.

અમદાવાદની અમરાઈવાડી વિધાનસભા બેઠકના ધારાસભ્ય ડો. હસમુખ પટેલ સામે કાર્યકરોએ મોરચો માંડ્યો છે. ભાજપના જ એક વ્હોટ્સએપ ગ્રુપમાં કાર્યકરોનો રોષ ભભૂકી ઉઠ્યો છે. ધારાસભ્ય પર 'હિટલરશાહી' ચલાવવાનો તેમજ સિનિયર કાર્યકરોની અવગણના કરવાનો આરોપ લાગ્યો છે. ધારાસભ્ય પોતાની મનમાની કરી રહ્યા હોવાની અને સિનિયર કાર્યકર્તાઓની અવગણના કરવામાં આવી રહી હોવાની ચર્ચા છે. એટલું જ નહીં લોકસેવાને બદલે ધારાસભ્ય પદનો અંગત અદાવત નીપટાવવા માટે ઉપયોગ થઈ રહ્યો હોવાના ગંભીર આક્ષેપો સાથેના વ્હોટ્સએપ મેસેજના સ્ક્રીનશોટ હાલ સોશિયલ મીડિયામાં વાયુવેગે વાઇરલ થઈ રહ્યાં છે.

ઉલ્લેખનીય છેકે, અમદાવાદના અમરાઈવાડી વિધાનસભાના 'Team BJP Amraiwadi' નામથી ચાલતાં વ્હોટ્સએપ ગ્રુપમાં કાર્યકર્તાઓની નારાજગી અંગેના સ્ક્રીનશોટ વાઇરલ થયા છે. જેમાં લખવામાં આવ્યું છે...

"અમે ભાજપના કાર્યકર્તા છીએ. પાર્ટી માટે કારખાનામાંથી દિવસ પાડીને પ્રચાર કરતા હોય તેમજ પાર્ટીના હિત માટે કાર્યો કરતા હોય. નવા નવા યુવા કાર્યકતાનું જોડાણ કરતા હોવાની આ બધી મેહનત કર્યા પછી જો તમને કોઇ હોદ્દેદાર જવાબ ના આપે તો કોની પાસે અપેક્ષા રાખીએ...?, સાહેબ નકરું બસ ભરવા અને ભીડ ભેગી કરવા કાર્યકર્તા નથી બન્યા. મારા વોર્ડમાં કોઇએ ધારાસભ્યનું મોઢું પણ નથી જોયું. લોકસેવામાં હાજર રહેવું પડે, લોકોને મળવું પડે, લોકોની સમસ્યા ગંભીરતાથી લઇને એનું સમાધાન કરવું પડે. અત્યારે અમરાવાડી વિધાનસભા હિટલરશાહી શાસનથી ચાલે છે. કાર્યકર્તાઓને કોઇ સાંભળવા માટે રાજી છે જ નહીં. જો તમે સામે બોલો, સામે પડો તો તમારી ઉપર તરત એક્શન લેવામાં આવે છે. સિનિયર કાર્યકર્તા પ્રશ્નની ચર્ચા પ્રભારી સાથે કરે છે અને ચર્ચાનો નિકાલ નથી આવતો. સિનિયર કાર્યકર્તાનુ નિવેદન એ છે કે પ્રભારી તેમની વાત સાંભળતા નથી. ભારતીય જનતા પાર્ટી તો શિસ્તબધ્ધ પાર્ટી છે તો સંગઠનમાં સિનિયર કાર્યકર્તાની અવગણનાના પ્રશ્નને પ્રભારી અવગણી દે તે વ્યાજબી કહેવાય ખરું?, અન્ય કાર્યકર્તાઓને પણ જાણ થવી જ જોઈએ કે સત્ય શું છે? સત્યની તપાસ થવી જ જોઈએ."

ધારાસભ્ય અંગત અદાવત રાખવામાં સમય પસાર કરતા હોવાનો આક્ષેપઃ

વાયરલ થયેલી વ્હોટ્સએપ ચેટમાં ધારાસભ્યને સંબોધીને એવું પણ લખવામાં આવ્યું છેકે, અત્યંત ખેદ સાથે જણાવવું પડે છે કે, ચૂંટણી જીત્યા બાદ આપને જનતાના કામોમાં કે વિસ્તારના પ્રશ્નો ઉકેલવામાં કોઈ રસ હોય તેવું જણાતું નથી. ચૂંટાયા પછી આપ કોઈપણ સોસાયટીની મુલાકાતે આવ્યા નથી. તેના બદલે, એવું જોવા મળી રહ્યું છે કે, આપનો સમય જે લોકો આપને પસંદ નથી, તેમને હેરાન પરેશાન કરવામાં વધુ ફાળવી રહ્યા છો. લોકશાહીમાં પ્રજાના પ્રતિનિધિનું કામ જનતાની સેવા કરવાનું છે નહીં કે અંગત અદાવત રાખવાનું. અમે આશા રાખીએ છીએ કે, આપ આ વલણ બદલીને જનતાના પડતર પ્રશ્નો અને વિસ્તારના વિકાસ પર ધ્યાન આપશો અને ટૂંક સમયમાં જ રહીશોની મુલાકાત લેશો.

એટલું જ નહીં વિવાદોમાં ઘેરાયેલા ધારાસભ્યની કાર્યશૈલીથી નારાજ કાર્યકરોએ સ્પષ્ટ ચિમકી ઉચ્ચારી છે કે, જો આંતરિક વિખવાદ નહીં શમે તો આગામી ચૂંટણીમાં ભાજપને જ હારનો સામનો કરવો પડી શકે છે. જોકે, વ્હોટએપ ગ્રૂપમાં વહેતા થયેલાં વિવિધ મેસેજ અને આક્ષેપો અંગે આ મામલે હજુ ધારાસભ્ય ડો.હસમુખ પટેલનું કોઈ નિવેદન સામે આવ્યું નથી. જોકે, અમરાઈવાડી વિધાનસભાના પ્રભારી અને આ વિસ્તારના ભાજપના સ્થાનિક આગેવાનો આ પ્રકારના વ્હોટ્સએપ મેસેજ વાયરલ થયા ની વાતથી અજાણ હોવાની વાત કરી રહ્યાં છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now