Home Gujarat Political Storm In Surat Over Godse Program

ગોડસે કાર્યક્રમને લઈને સુરતમાં રાજકીય તોફાન : “ગાંધીના હત્યારાનું મહિમામંડન શરમજનક” વિપક્ષનો આકરો પ્રહાર

ગોડસે કાર્યક્રમને લઈને સુરતમાં રાજકીય તોફાન
Published by: OBS Bureau
Last Updated: Mar 14, 2026, 11:31 AM IST

અહિંસાના પૂજારી મહાત્મા ગાંધીની ધરતી ગુજરાતમાં ફરી એકવાર વિચારધારાનો વિવાદ ઉછળ્યો છે. સુરતના સીટી લાઈટ વિસ્તારમાં આવેલા મહેશ્વરી ભવન ખાતે નથુરામ ગોડસેને ‘પરમ દેશભક્ત’ તરીકે રજૂ કરતા કાર્યક્રમના આયોજનને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. કાર્યક્રમને લઈને વિરોધ પક્ષે કડક વલણ અપનાવતાં રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર પર ગંભીર સવાલો ઊભા કર્યા છે.

મળતી માહિતી મુજબ 15 માર્ચે સીટી લાઈટ વિસ્તારમાં આયોજિત આ કાર્યક્રમ નરેન્દ્ર સાબુ નામના આયોજક દ્વારા યોજવાનો છે. આ કાર્યક્રમમાં મહાત્મા ગાંધીના હત્યારા નથુરામ ગોડસેને દેશભક્ત તરીકે રજૂ કરવાનો પ્રયાસ થવાનો હોવાના આક્ષેપો થયા છે. આ સમાચાર સામે આવતા ગાંધીવાદી વિચારધારા ધરાવતા લોકો અને લોકશાહી મૂલ્યોમાં માનતા નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

વિપક્ષી નેતાએ આ મામલે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પર સીધો નિશાન સાધ્યો છે. તેમના જણાવ્યા અનુસાર, “આ કાર્યક્રમ 165 મજુરા વિધાનસભા વિસ્તારમાં યોજાઈ રહ્યો છે, જેનું પ્રતિનિધિત્વ સ્વયં ગૃહમંત્રી કરે છે. અમે 12 માર્ચે ઈમેલ અને વોટ્સએપ દ્વારા કાર્યક્રમ રદ કરવાની માંગ કરી હતી, છતાં હજુ સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી.”

વિપક્ષે સુરત મહાનગરપાલિકા અને પોલીસ તંત્રની કામગીરી પર પણ સવાલો ઉઠાવ્યા છે. તેઓનું કહેવું છે કે ગરીબોના લારી-ગલ્લા હટાવવામાં ઝડપ બતાવતું તંત્ર ગોડસેના હોર્ડિંગ્સ કેમ નથી દૂર કરતું? સાથે જ ‘હાઈટેક’ હોવાનો દાવો કરતી સુરત પોલીસ આ વિવાદાસ્પદ કાર્યક્રમ રોકવામાં નિષ્ક્રિય કેમ છે તેવો પ્રશ્ન પણ ઉઠાવવામાં આવ્યો છે.

વિરોધ પક્ષે ચેતવણી આપી છે કે ગુજરાત મહાત્મા ગાંધી અને સરદાર પટેલની ધરતી છે, જ્યાં યુવા પેઢીને અહિંસા અને દેશપ્રેમના સાચા આદર્શો શીખવવા જોઈએ. એક હત્યારાના મહિમામંડનથી સમાજમાં ખોટો સંદેશ જશે. આ કારણે વિપક્ષે કાર્યક્રમ તાત્કાલિક રદ કરવાની અને આયોજક સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now