Kadi Accident: મહેસાણા જિલ્લાના કડી-નંદાસણ હાઈવે પર આજે વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કડી નજીક આવેલી વેલકમ હોટલ પાસે એક ખાનગી કંપનીના કર્મચારીઓને લઈને જતી સ્ટાફ બસ અને પૂરપાટ ઝડપે આવતા ડમ્પર વચ્ચે ભયાનક અકસ્માત નડ્યો હતો. આ ટક્કર એટલી પ્રચંડ હતી કે બસના કૂચા બોલી ગયા હતા અને તેમાં સવાર ડ્રાઈવર સહિત 5 જેટલા કર્મચારીઓને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. ઘટનાને પગલે હાઈવે પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.
પતરાં ચીરીને ડ્રાઈવરને બહાર કઢાયો
અકસ્માતની આ ઘટનામાં સ્ટાફ બસના આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો, જેના કારણે ડ્રાઈવર કેબિનમાં જ ખરાબ રીતે ફસાઈ ગયો હતો. સ્થાનિક લોકો અને રાહદારીઓએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી. બસનું પતરું કાપીને અને ખેંચીને ડ્રાઈવરને અંદરથી મહામુસીબતે બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ તમામ 5 ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
અમદાવાદ કોંગ્રેસ વિવાદમાં: કુબેરનગર વોર્ડના કોર્પોરેટરનું LC નીકળ્યું બોગસ, પોલીસ ફરિયાદના આદેશ
દેત્રોજની કંપનીના કર્મચારીઓ જઈ રહ્યા હતા નોકરીએ
મળતી માહિતી મુજબ, આ સ્ટાફ બસ દેત્રોજ ખાતે આવેલી એક ખાનગી કંપનીના કર્મચારીઓને મૂકવા જઈ રહી હતી. દરરોજની જેમ કર્મચારીઓ નોકરી પર જવા નીકળ્યા હતા, પરંતુ રસ્તામાં જ કાળમુખા ડમ્પરે અડફેટે લેતા અકસ્માત નડ્યો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ઇજાગ્રસ્તોની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.
દાહોદ-મહીસાગરમાં ગાજવીજ સાથે માવઠું!: વૃક્ષ ધરાશાયી થતા રસ્તો બંધ, ખેડૂતોમાં ચિંતા વધી
એકતરફી વાહન વ્યવહાર બન્યો અકસ્માતનું કારણ
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, હાઈવે પર હાલમાં રોડના નવીનીકરણનું કામકાજ ચાલી રહ્યું છે. જેના કારણે હાઈવે પર એકતરફી (One Way) વાહન વ્યવહાર ચાલુ રાખવામાં આવ્યો છે. એક જ સાઈડ પર સામસામે વાહનો આવતા હોવાથી વેલકમ હોટલ પાસે ડમ્પર અને બસ સામસામે અથડાયા હતા. રોડની કામગીરીમાં યોગ્ય ડાયવર્ઝન કે સુરક્ષાના સાધનોના અભાવે આ અકસ્માત સર્જાયો હોવાની ચર્ચાઓ જાગી છે.
કળિયુગી પિતાએ જ પોતાની નવજાત બાળકીનો સોદો કર્યો: જલોત્રા અપહરણ કેસમાં થયો મોટો ઘટસ્ફોટ, 'મુરગન ગેંગ'ના 10 સાગરીતો ઝડપાયા
પોલીસે ટ્રાફિક જામ હળવો કરાવ્યો
અકસ્માતને પગલે કડી-નંદાસણ હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ કડી પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે ક્રેઈનની મદદથી અકસ્માતગ્રસ્ત વાહનોને રોડની સાઈડમાં ખસેડીને ટ્રાફિક ખુલ્લો કરાવ્યો હતો. હાલમાં પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.





