અમદાવાદ : અમદાવાદ શહેરમાં નશીલા પદાર્થોના વધતા દુષણ સામે કાર્યવાહી કરતા ક્રાઇમ બ્રાન્ચે મોટી સફળતા મેળવી છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે વસ્ત્રાલ વિસ્તારમાં દરોડો પાડી રૂ.4.50 લાખથી વધુ કિંમતના મેફેડ્રોન (MD ડ્રગ્સ) સાથે બે શખ્સોની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી કુલ 150.090 ગ્રામ મેફેડ્રોન સહિત રૂ.4.90 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
ક્રાઇમ બ્રાન્ચને મળેલી ચોક્કસ બાતમીના આધારે વસ્ત્રાલ વિસ્તારમાં માધવ ફાર્મ પાછળ આવેલા સૂર્યમ એલિગન્સ એપાર્ટમેન્ટમાં દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન બે વ્યક્તિઓ પાસેથી ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલ મેફેડ્રોનનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે બંને આરોપીઓને સ્થળ પરથી ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
150 ગ્રામથી વધુ મેફેડ્રોન અને અન્ય સામાન જપ્ત
પોલીસે આરોપીઓ પાસેથી 150.090 ગ્રામ મેફેડ્રોન, જેની અંદાજિત કિંમત રૂ.4,50,270 હોવાનું જણાવ્યું છે, તે જપ્ત કર્યું છે. ઉપરાંત ત્રણ મોબાઇલ ફોન, રોકડ રકમ, વજન કાંટા, ખાલી ઝિપર બેગ અને અન્ય સામગ્રી પણ કબજે લેવામાં આવી છે. સમગ્ર મુદ્દામાલની કુલ કિંમત રૂ.4,90,870 જેટલી હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ મેફેડ્રોનના જથ્થાનું સંગ્રહ અને વિતરણ કરતા હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ જથ્થો તેમને કોણે પૂરો પાડ્યો અને તેનો સપ્લાય ક્યાં કરવામાં આવતો હતો તે દિશામાં તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.
આ પણ વાંચો: ખરીફ સીઝન પહેલાં ખેડૂતોને ગુજરાત સરકારની મોટી ભેટ : હવે 10 કલાક મળશે વીજળી, તળાવો ભરવાની મર્યાદા પણ વધારાઈ
ઝડપાયેલા આરોપીઓ કોણ?
ક્રાઇમ બ્રાન્ચે આ કેસમાં તેજસકુમાર ઉર્ફે મોન્ટુ રાજેશકુમાર ઠક્કર (ઉંમર 38) અને અજય ઉર્ફે અજ્જુ હરિશંકર જયસ્વાલ (ઉંમર 42)ની ધરપકડ કરી છે. બંને આરોપીઓ અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રહે છે. પોલીસ તપાસ દરમિયાન બંને આરોપીઓની ભૂમિકા, ડ્રગ્સ સપ્લાય ચેઇન સાથેના તેમના સંબંધો અને અન્ય સંભવિત સાગરિતો અંગે માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે.
આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો
ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જાહેર કરાયેલી વિગતો મુજબ આરોપી તેજસકુમાર ઠક્કર સામે અગાઉ ઓઢવ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાઈ ચૂક્યો છે અને તેની સામે અટકાયતી કાર્યવાહી પણ કરવામાં આવી હતી. જ્યારે અજય જયસ્વાલ સામે સરખેજ, વટવા GIDC અને બાપુનગર પોલીસ સ્ટેશનમાં વિવિધ ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. આથી પોલીસે બંને આરોપીઓના ગુનાહિત નેટવર્ક અને ભૂતકાળના સંપર્કોની પણ તપાસ શરૂ કરી છે.
NDPS એક્ટ હેઠળ કાર્યવાહી
આ કેસમાં ડિટેક્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચ (DCB) પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું છે કે મેફેડ્રોનનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને શહેરમાં તેનો વિતરણ કોને થવાનો હતો તે અંગે પૂછપરછ ચાલી રહી છે. અમદાવાદ શહેરમાં ડ્રગ્સના ગેરકાયદે વેપાર સામે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. તાજેતરની આ કાર્યવાહી નશીલા પદાર્થોના ગેરકાયદે નેટવર્ક સામે મહત્વની સફળતા તરીકે જોવામાં આવી રહી છે. તપાસ આગળ વધતાં વધુ ખુલાસા થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.





