Home Gujarat Ahmedabad Re Neet Exam Ahmedabad Students Reaction Security Arrangements

‘પહેલાં જેવો ઉત્સાહ હવે નથી’ : અમદાવાદમાં Re-NEET પરીક્ષા માટે પરીક્ષાર્થીઓમાં આશા અને અસમંજસ

neet ની પરીક્ષા આપવા જતાં વિધ્યાર્થીઓ
Published by: Chintan Chavda
Last Updated: Jun 21, 2026, 07:17 AM IST

અમદાવાદ: NEET-UG પેપર લીક વિવાદ બાદ રદ કરાયેલી પરીક્ષાની Re-NEET આજે અમદાવાદના 23 પરીક્ષા કેન્દ્રો પર કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે યોજાઈ રહી છે. શહેરમાં 10 હજારથી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં બેસી રહ્યા છે. પરીક્ષા કેન્દ્રોની બહાર પોલીસનો જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જ્યારે ઉમેદવારોને સમયની જાણ રહે તે માટે કેટલીક જગ્યાએ કેન્દ્રના પ્રવેશદ્વાર પાસે ઘડિયાળ પણ મૂકવામાં આવી હતી. પેપર લીક વિવાદ બાદ ફરી પરીક્ષા યોજાઈ રહી હોવાથી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં એક તરફ આશા છે તો બીજી તરફ અનિશ્ચિતતા અને માનસિક દબાણ પણ જોવા મળ્યું હતું. ઘણા વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે તેમને વધારાનો એક મહિનો મળતાં તૈયારી વધુ મજબૂત કરવાની તક મળી, પરંતુ અગાઉ જે આત્મવિશ્વાસ હતો તે હવે અનુભવાતો નથી.

‘એક મહિનો મળ્યો, મહેનત પૂરી કરી’

પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થી તનિષ્ક પટેલે જણાવ્યું હતું કે રદ થયેલી પરીક્ષા બાદ મળેલા એક મહિનાના સમયનો તેણે સંપૂર્ણ ઉપયોગ કર્યો છે. તેના કહેવા મુજબ, “અમે વધારાની તૈયારી કરી છે અને હવે મહેનતનું પરિણામ શું આવે છે તે જોવાનું છે. તંત્રે આ વખતે સુરક્ષાને લઈને ફૂલપ્રૂફ વ્યવસ્થા કરવાનો દાવો કર્યો છે. પેપર લીક કૌભાંડમાં સંડોવાયેલા લોકો સામે કાર્યવાહી પણ કરવામાં આવી છે. તેથી આશા છે કે આ વખતે પરીક્ષા નિષ્પક્ષ રીતે યોજાશે.” તનિષ્કે વધુમાં જણાવ્યું કે વિદ્યાર્થીઓ હવે પોતાની મહેનતના આધારે પરિણામની રાહ જોઈ રહ્યા છે અને સમગ્ર પ્રક્રિયા પારદર્શક રહે તે જ સૌથી મહત્વની બાબત છે.

આ પણ વાંચો : પેપર લીક બાદ આજે NEET UG Re-Exam : 22 લાખ ઉમેદવારો માટે 1.38 લાખ CCTV અને 2 લાખ સુરક્ષા કર્મચારીઓ તૈનાત

‘પહેલાં જેવો આત્મવિશ્વાસ હવે નથી’

વિદ્યાર્થી તક્ષ પટેલે જણાવ્યું કે અગાઉની પરીક્ષા વખતે જે સ્તરનો આત્મવિશ્વાસ હતો તે હવે અનુભવાતો નથી. તેના મતે, “NTA અને સરકાર દ્વારા આ વખતે સુરક્ષાની નવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને પ્રશ્નપત્રોના પરિવહન માટે પણ નવી પદ્ધતિ અપનાવવામાં આવી છે. તેથી પેપર લીક નહીં થાય એવો વિશ્વાસ તો છે, પરંતુ અગાઉ જે માનસિક તૈયારી અને ઉત્સાહ હતો તે હવે ઓછો અનુભવાય છે.” તક્ષે જણાવ્યું કે વિદ્યાર્થીઓએ ફરીથી સંપૂર્ણ અભ્યાસક્રમનું પુનરાવર્તન કરવું પડ્યું છે, જેના કારણે માનસિક થાક પણ અનુભવાયો છે.

વધારાની મહેનત છતાં પરિણામ અંગે ઉત્સુકતા

વિદ્યાર્થી દેવે જણાવ્યું કે તેણે છેલ્લા એક મહિનામાં વધુ પ્રશ્નપત્રો ઉકેલ્યા અને દૈનિક અભ્યાસનો સમય પણ વધાર્યો હતો. “કોન્ફિડન્સ છે, પરંતુ પહેલાં જેટલો નથી. કારણ કે આ વખતે પ્રશ્નપત્રનું સ્તર શું રહેશે તેની કોઈ સ્પષ્ટતા નથી. ગયા વખતે સારો સ્કોર મળવાની આશા હતી, હવે ફરીથી એ જ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે,” એમ તેણે જણાવ્યું. દેવે એમ પણ કહ્યું કે પરીક્ષા કેન્દ્રો પર આ વખતે મીડિયા, પોલીસ અને સુરક્ષા વ્યવસ્થા વધુ જોવા મળી રહી છે, જે અગાઉની પરીક્ષામાં ખાસ જોવા મળી નહોતી.

‘જો પહેલાંથી જ આવી વ્યવસ્થા હોત તો એક મહિનો બચી જાત’

વિદ્યાર્થી જિયા પુરાણીએ જણાવ્યું કે પરીક્ષા પૂર્ણ થયા બાદ તે અને તેના પરિવારજનો પરિણામ અને પ્રવેશ પ્રક્રિયાની રાહ જોઈ રહ્યા હતા. પરંતુ પેપર લીકના સમાચાર આવ્યા બાદ સમગ્ર આયોજન બદલાઈ ગયું. તેણે જણાવ્યું કે, “અમારે ફરીથી આખી તૈયારી શરૂ કરવી પડી. અગાઉ જે અભ્યાસ કર્યો હતો તેનું પુનરાવર્તન કરવું પડ્યું. જો શરૂઆતથી જ સુરક્ષા અને પ્રોટોકોલ યોગ્ય રીતે અમલમાં મૂકવામાં આવ્યા હોત તો વિદ્યાર્થીઓનો એક મહિનો અને માનસિક તણાવ બંને બચી શક્યા હોત.” જિયાએ જણાવ્યું કે Re-NEETના કારણે મેડિકલ પ્રવેશ પ્રક્રિયામાં પણ વિલંબ સર્જાયો છે, જે વિદ્યાર્થીઓ માટે વધારાની ચિંતાનું કારણ બન્યું છે.

વાલીઓએ સરકારને કરી અપીલ

પરીક્ષા કેન્દ્ર બહાર હાજર રહેલા એક વાલીએ જણાવ્યું કે આવી સ્થિતિમાં સૌથી વધુ અસર વિદ્યાર્થીઓના મનોબળ પર પડે છે. તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓ લાંબા સમય સુધી અનિશ્ચિતતામાં રહે છે અને સતત અભ્યાસના દબાણ હેઠળ રહે છે. વાલીના જણાવ્યા અનુસાર, “સરકારે શરૂઆતથી જ એવી વ્યવસ્થા કરવી જોઈએ કે પરીક્ષા એક જ વખતમાં પારદર્શક રીતે પૂર્ણ થાય. વિદ્યાર્થીઓએ માત્ર અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, પરીક્ષા વ્યવસ્થાની ખામીઓના કારણે તેમને વારંવાર માનસિક તણાવમાંથી પસાર થવું ન પડે.”

આ પણ વાંચો: પેપર લીક વિવાદ વચ્ચે આજે NEET-UG રી-એક્ઝામ : ગુજરાતના 211 કેન્દ્રો પર 79 હજારથી વધુ ઉમેદવારો પરીક્ષા આપશે, પોલીસનો ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત

કડક સુરક્ષા વચ્ચે પરીક્ષા પર સૌની નજર

અમદાવાદના તમામ 23 કેન્દ્રો પર પોલીસ, વહીવટી તંત્ર અને સુરક્ષા એજન્સીઓ દ્વારા વિશેષ દેખરેખ રાખવામાં આવી રહી છે. પરીક્ષા કેન્દ્રોની આસપાસની ગતિવિધિઓ પર સતત નજર રાખવામાં આવી રહી છે જેથી કોઈપણ પ્રકારની ગેરરીતિને અટકાવી શકાય. પેપર લીક વિવાદ બાદ યોજાઈ રહેલી આ Re-NEET માત્ર વિદ્યાર્થીઓ માટે જ નહીં પરંતુ સમગ્ર પરીક્ષા વ્યવસ્થા માટે પણ વિશ્વસનીયતા જાળવવાની મહત્વપૂર્ણ કસોટી બની છે. વિદ્યાર્થીઓ અને વાલીઓ બંને આશા રાખી રહ્યા છે કે આ વખતે પરીક્ષા સંપૂર્ણ પારદર્શિતા અને નિષ્પક્ષતા સાથે પૂર્ણ થશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now