Home Gujarat Neet Ug Re Exam Gujarat 79411 Candidates Security Arrangements

પેપર લીક વિવાદ વચ્ચે આજે NEET-UG રી-એક્ઝામ : ગુજરાતના 211 કેન્દ્રો પર 79 હજારથી વધુ ઉમેદવારો પરીક્ષા આપશે, પોલીસનો ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત

પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ
Image Credit: AI
Published by: Chintan Chavda
Last Updated: Jun 21, 2026, 05:05 AM IST

અમદાવાદ : NEET-UG પેપર લીક વિવાદ બાદ રદ કરવામાં આવેલી પરીક્ષાની રી-એક્ઝામ આજે સમગ્ર દેશમાં યોજાઈ રહી છે. ગુજરાતમાં કુલ 211 પરીક્ષા કેન્દ્રો પર 79,411 ઉમેદવારો પરીક્ષામાં બેસવાના છે. પેપર લીકની ઘટનાએ દેશભરમાં ભારે ચર્ચા જગાવી હતી, ત્યારે ફરી યોજાઈ રહેલી આ પરીક્ષા માત્ર વિદ્યાર્થીઓ માટે જ નહીં પરંતુ સમગ્ર પરીક્ષા તંત્ર માટે પણ એક મોટી કસોટી સમાન બની છે. પરીક્ષા દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિ ન સર્જાય તે માટે રાજ્યભરમાં લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પ્રથમવાર પ્રશ્નપત્રોના પરિવહન અને સુરક્ષાની જવાબદારી કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF)ને સોંપવામાં આવી છે. રાજ્ય સરકાર, પોલીસ તંત્ર, જિલ્લા વહીવટીતંત્ર તેમજ વિવિધ એજન્સીઓ વચ્ચે સંકલન સાધીને પરીક્ષા પારદર્શક અને નિષ્પક્ષ રીતે પૂર્ણ થાય તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે.

પરીક્ષા સમય અને ઉમેદવારો માટે મહત્વની સૂચનાઓ

NEET-UG રી-એક્ઝામ બપોરે 2:00 વાગ્યાથી સાંજે 5:15 વાગ્યા સુધી યોજાશે. ઉમેદવારોને સવારે 11:00 વાગ્યાથી બપોરે 1:30 વાગ્યા સુધી પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવશે. 1:30 વાગ્યા બાદ કોઈપણ ઉમેદવારને પ્રવેશ આપવામાં આવશે નહીં. તેથી તમામ વિદ્યાર્થીઓને સમયસર પરીક્ષા કેન્દ્ર પર પહોંચવા અનુરોધ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ અને વાલીઓને કેન્દ્ર સુધી પહોંચવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) તથા પશ્ચિમ રેલવે દ્વારા વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ખાસ કરીને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચતા રૂટ પર વધારાની બસો અને વિશેષ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અમદાવાદમાં 23 કેન્દ્રો પર 10 હજારથી વધુ ઉમેદવારો

અમદાવાદ શહેરમાં 23 પરીક્ષા કેન્દ્રો પર 10 હજારથી વધુ ઉમેદવારો પરીક્ષા આપવાના છે. પરીક્ષા દરમિયાન કોઈ ગેરરીતિ ન થાય અને શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે માટે પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. પરીક્ષા કેન્દ્રોની આસપાસના વિસ્તારોનું પોલીસ કંટ્રોલ રૂમમાંથી લાઈવ મોનિટરિંગ કરવામાં આવશે. પ્રશ્નપત્રોના પરિવહન માટે એસ્કોર્ટ વાહનો અને સશસ્ત્ર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કેન્દ્રોની બહારની ગતિવિધિઓ પર ડ્રોન દ્વારા સતત નજર રાખવામાં આવશે. અમદાવાદ પોલીસ દ્વારા છ ડીસીપી સહિત 15 પોલીસ સ્ટેશનના સ્ટાફને પરીક્ષાની સુરક્ષા વ્યવસ્થાની જવાબદારી સોંપવામાં આવી છે. ઉપરાંત સાયબર ક્રાઇમ શાખા સોશિયલ મીડિયા પર સતત નજર રાખશે જેથી કોઈ અફવા કે ગેરમાર્ગે દોરતી માહિતી ફેલાય નહીં.

અમદાવાદ પોલીસનો હેલ્પલાઈન નંબર જાહેર

અમદાવાદ પોલીસના જણાવ્યા મુજબ પરીક્ષાર્થીઓને કેન્દ્ર સુધી પહોંચવામાં કોઈ અગવડતા ન પડે તે માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કોઈપણ પ્રકારની સમસ્યા કે માર્ગદર્શન માટે ઉમેદવારો 079-25630100 અને 079-25630200 હેલ્પલાઈન નંબરો પર સંપર્ક કરી શકે છે. પોલીસ કંટ્રોલ રૂમમાંથી પરીક્ષા કેન્દ્રોની આસપાસના CCTV કેમેરા દ્વારા પણ સતત દેખરેખ રાખવામાં આવશે. ડ્રોન સર્વેલન્સ ઉપરાંત સાયબર ટીમો ઓનલાઈન પ્લેટફોર્મ્સ પર પણ સક્રિય રહેશે.

વડોદરા, રાજકોટ અને સુરતમાં પણ કડક સુરક્ષા

વડોદરામાં 17 પરીક્ષા કેન્દ્રો પર 6,048 ઉમેદવારો પરીક્ષા આપશે. તમામ કેન્દ્રોને હાઈ-સિક્યોરિટી ઝોન જાહેર કરવામાં આવ્યા છે અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. રાજકોટમાં 12 કેન્દ્રો પર 5,330 ઉમેદવારો પરીક્ષા આપવાના છે. પેપર લીકની ઘટનાને ધ્યાનમાં રાખીને અહીં પણ વિશેષ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. ડિજિટલ લોકમાં સીલ કરાયેલા પ્રશ્નપત્રો હવાઈ માર્ગે લાવવામાં આવશે અને CISF તેમજ સ્થાનિક પોલીસની સુરક્ષા વચ્ચે પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચાડવામાં આવશે. દરેક કેન્દ્ર પર ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારીઓની વિજિલન્સ ટીમ તૈનાત રહેશે. સુરત જિલ્લામાં 22 પરીક્ષા કેન્દ્રો પર કુલ 10,301 ઉમેદવારો પરીક્ષા આપવાના છે. પરીક્ષા પારદર્શક અને સુચારૂ રીતે યોજાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 22 અલગ-અલગ રૂટ નક્કી કરીને વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.


આ પણ વાંચો : પેપર લીક બાદ આજે NEET UG Re-Exam : 22 લાખ ઉમેદવારો માટે 1.38 લાખ CCTV અને 2 લાખ સુરક્ષા કર્મચારીઓ તૈનાત

ડ્રેસ કોડ અને ધાર્મિક પ્રતિકો અંગે NTAની સ્પષ્ટતા

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ પરીક્ષા પૂર્વે ડ્રેસ કોડ અને સુરક્ષા વ્યવસ્થા અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શિકા જાહેર કરી છે. એજન્સીએ સ્પષ્ટ કર્યું છે કે પાઘડી, હિજાબ, સિંદૂર, મંગળસૂત્ર અથવા અન્ય ધાર્મિક પ્રતિકો સાથે જોડાયેલી વસ્તુઓ પર કોઈ પ્રતિબંધ નથી. જોકે, આવા ઉમેદવારોને વધારાની સુરક્ષા તપાસ માટે નિર્ધારિત સમય કરતાં વહેલા પરીક્ષા કેન્દ્ર પર પહોંચવાની સલાહ આપવામાં આવી છે. NTAએ ઉમેદવારોને એડમિટ કાર્ડ અને માન્ય ઓળખપત્ર સાથે રાખવા તેમજ તમામ સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે.

NEET-UG 2026નું પરીક્ષા માળખું

NEET-UG 2026ની પરીક્ષા કુલ 180 પ્રશ્નો અને 720 ગુણની રહેશે. તેમાં ભૌતિકશાસ્ત્રના 45 પ્રશ્નો (180 ગુણ), રસાયણશાસ્ત્રના 45 પ્રશ્નો (180 ગુણ) અને જીવવિજ્ઞાનના 90 પ્રશ્નો (360 ગુણ)નો સમાવેશ થાય છે. દરેક સાચા જવાબ માટે 4 ગુણ આપવામાં આવશે, જ્યારે ખોટા જવાબ માટે 1 ગુણની નેગેટિવ માર્કિંગ રહેશે. મેડિકલ અને ડેન્ટલ અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે દેશની સૌથી મહત્વપૂર્ણ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાંની એક ગણાતી NEET-UG માટે લાખો વિદ્યાર્થીઓએ તૈયારી કરી છે. પેપર લીક વિવાદ બાદ ફરી યોજાઈ રહેલી આ પરીક્ષા પારદર્શક અને નિષ્પક્ષ રીતે પૂર્ણ થાય તે માટે સમગ્ર દેશની નજર આજે પરીક્ષા વ્યવસ્થા પર કેન્દ્રિત રહી છે. વિદ્યાર્થીઓ અને વાલીઓ આશા રાખી રહ્યા છે કે આ વખતે પરીક્ષા કોઈ વિવાદ વગર સફળતાપૂર્વક પૂર્ણ થશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now