Home Gujarat Lokbhavan Gandhinagar International Yoga Day Acharya Devvrat

લોકભવન ખાતે 12 મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ યોગને જીવન જીવવાની કળા ગણાવી

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત
Published by: Chintan Chavda
Last Updated: Jun 21, 2026, 05:21 AM IST

ગાંધીનગર: 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી નિમિત્તે ગાંધીનગર સ્થિત લોકભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં વિશેષ યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં લોકભવનના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને સામૂહિક યોગાભ્યાસ કર્યો હતો. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ ઉપસ્થિત સૌને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી અને સ્વસ્થ જીવન માટે યોગના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે યોગ ભારતની હજારો વર્ષ જૂની પ્રાચીન પરંપરા, વિદ્યા અને વિજ્ઞાનનું જીવંત પ્રતિક છે. યોગ માત્ર શારીરિક કસરત પૂરતો મર્યાદિત નથી, પરંતુ જીવનને સંતુલિત, સુખમય અને સકારાત્મક બનાવતી એક સંપૂર્ણ જીવનશૈલી છે.

યોગ ભારતની અમૂલ્ય સાંસ્કૃતિક વિરાસત

રાજ્યપાલએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિમાં યોગને હંમેશા સ્વાસ્થ્ય, આત્મશાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિના આધારસ્તંભ તરીકે માનવામાં આવ્યો છે. પ્રાચીન ઋષિમુનિઓ દ્વારા વિશ્વને અપાયેલી આ અમૂલ્ય ભેટ આજે સમગ્ર માનવજાત માટે આરોગ્ય અને સુખાકારીનું અસરકારક સાધન બની છે. તેમણે કહ્યું કે યોગ વ્યક્તિને માત્ર શારીરિક રીતે જ મજબૂત બનાવતો નથી, પરંતુ માનસિક અને ભાવનાત્મક સંતુલન જાળવવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આધુનિક જીવનમાં વધતા તણાવ, ચિંતા અને વિવિધ જીવનશૈલી સંબંધિત રોગો સામે યોગ એક સરળ અને અસરકારક ઉપાય તરીકે ઉભરી આવ્યો છે.

વડાપ્રધાનના પ્રયાસોથી યોગને મળી વૈશ્વિક ઓળખ

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના યોગ પ્રત્યેના દ્રષ્ટિકોણ અને પ્રયાસોની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે તેમના દ્રઢ સંકલ્પ અને સતત પ્રયત્નોના પરિણામે આજે યોગને વૈશ્વિક સ્તરે વિશેષ માન્યતા મળી છે. તેમણે વિશ્વના કરોડો લોકોને યોગ સાથે જોડીને ભારતની આ પ્રાચીન વિરાસતને આંતરરાષ્ટ્રીય મંચ પર ગૌરવ અપાવ્યું છે. તેમણે વધુમાં ઉમેર્યું કે આજે વિશ્વના અનેક દેશોમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ રહી છે અને યોગના માધ્યમથી સમગ્ર વિશ્વ ‘વસુધૈવ કુટુંબકમ’ના ભાવ સાથે એકબીજા સાથે જોડાઈ રહ્યું છે. યોગ માનવજાતને સ્વસ્થતા, શાંતિ અને સહઅસ્તિત્વનો સંદેશ આપે છે.
તણાવમુક્ત અને નિરોગી જીવન માટે યોગ જરૂરી

રાજ્યપાલએ જણાવ્યું હતું કે આજની ઝડપી અને સ્પર્ધાત્મક જીવનશૈલીમાં માનસિક તણાવ, અનિયમિત જીવનક્રમ અને આરોગ્ય સંબંધિત અનેક પડકારો વધી રહ્યા છે. આવા સમયમાં નિયમિત યોગાભ્યાસ અને પ્રાણાયામ શરીરને નિરોગી રાખવાની સાથે મનને પણ શાંત, એકાગ્ર અને સકારાત્મક બનાવે છે. તેમણે ઉપસ્થિત સૌને યોગને દૈનિક જીવનનો અભિન્ન ભાગ બનાવવા અપીલ કરી હતી અને ‘સ્વસ્થ શરીર – સ્વસ્થ મન’ના સંકલ્પને જીવનમાં ઉતારવા અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું કે વ્યક્તિગત સ્વાસ્થ્ય જ પરિવાર, સમાજ અને રાષ્ટ્રની પ્રગતિનો મજબૂત આધાર છે.

આ પણ વાંચો: આંતરરાષ્ટ્રીય યોગ દિવસ : હિમાલયથી હિંદ મહાસાગર સુધી, યોગની ઉર્જા... પીએમ મોદી કોલકાતામાં બોલ્યા, ગુજરાતમાં અમિત શાહની ઉપસ્થિતીમાં યોગ દિવસની ઉજવણી

યોગાભ્યાસ બાદ સ્વસ્થ જીવનશૈલીનો સંકલ્પ

કાર્યક્રમ દરમિયાન યોગ પ્રશિક્ષક અશ્વિનભાઈ દવેના માર્ગદર્શન હેઠળ વિવિધ યોગાસનો અને પ્રાણાયામનો અભ્યાસ કરાવવામાં આવ્યો હતો. ઉપસ્થિત લોકોએ ઉત્સાહપૂર્વક યોગાભ્યાસમાં ભાગ લીધો હતો અને યોગના વિવિધ લાભો અંગે માહિતગાર બન્યા હતા. યોગાભ્યાસ પૂર્ણ થયા બાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ ઉપસ્થિત તમામ લોકોને સ્વસ્થ અને સંતુલિત જીવનશૈલી અપનાવવાના શપથ લેવડાવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન આરોગ્યપ્રદ જીવન જીવવા માટે નિયમિત યોગ, યોગ્ય આહાર અને સકારાત્મક જીવનદૃષ્ટિ અપનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આ ઉજવણી દ્વારા લોકભવન ખાતે યોગ પ્રત્યેની જાગૃતિ વધારવાની સાથે સ્વસ્થ અને તંદુરસ્ત સમાજના નિર્માણ માટે સામૂહિક પ્રતિબદ્ધતાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now