Gujarat weather: ગુજરાતના હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે વહેલી સવારથી જ રાજ્યના પૂર્વ પટ્ટીના જિલ્લાઓમાં વાતાવરણમાં જોરદાર પલટો જોવા મળ્યો હતો. દાહોદ અને મહીસાગર જિલ્લાના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ (માવઠું) વરસતા સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે. એક તરફ ગરમીથી રાહત મળી છે, તો બીજી તરફ ભરઉનાળે વરસાદી માહોલ સર્જાતા ખેડૂતોના જીવ અધ્ધર થઈ ગયા છે.
દાહોદ જિલ્લામાં મેઘરાજાની એન્ટ્રી
દાહોદ શહેરમાં વહેલી સવારથી જ આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલું જોવા મળ્યું હતું. લાંબા વિરામ બાદ અચાનક વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદી ઝાપટાં શરૂ થયા હતા. ખાસ કરીને લીમડી તાલુકાના મીરાંખેડી ગામે વહેલી સવારે ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો. દાહોદના મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા હતા, જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. આ અચાનક આવેલા વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો થયો છે અને લોકોએ ગરમીમાંથી આંશિક રાહત અનુભવી છે.
કચ્છમાં ડ્રગ્સ તસ્કરીનો ખતરો વધ્યો!: 4 દિવસમાં મળ્યા 47 પેકેટ, લખપતમાં વધુ 10 પેકેટ જપ્ત, સુરક્ષા એજન્સીઓ એક્શન મોડમાં
દાહોદ પંથકમાં વાતાવરણમાં આવેલા પલટા બાદ ફૂંકાયેલા તેજ પવન અને વાવાઝોડા સાથેના વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. બલૈયા-ફતેપુરા માર્ગ પર કાંકસીયા પીકઅપ સ્ટેશન નજીક એક વિશાળ વૃક્ષ ધરાશાયી થઈને રસ્તાની વચ્ચે પડતા વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો હતો. માર્ગની બંને બાજુએ વાહનોની કતાર લાગતા ચાલકોને વૈકલ્પિક રસ્તાઓ શોધવાની ફરજ પડી હતી. ઘટનાની જાણ થતા વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક વૃક્ષ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેથી વહેલી તકે રસ્તો પૂર્વવત થઈ શકે.
મહીસાગર: પ્રિ-મોન્સુન એક્ટિવિટીની અસર
મહીસાગર જિલ્લામાં પણ વહેલી સવારથી વાતાવરણ પલટાયેલું જોવા મળ્યું હતું. જિલ્લાના કડાણા તાલુકા માં આવેલ ગુજરાત-રાજસ્થાન સરહદના ગામોમાં વરસાદી માહોલ જામ્યો હતો. તંત્ર દ્વારા આને પ્રિ-મોન્સુન એક્ટિવિટીના ભાગરૂપે જોવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત ખાનપુર પંથકમાં પણ હળવા વરસાદી છાંટા પડતા રસ્તાઓ ભીના થયા હતા.
ગુજરાતના વાતાવરણમાં પલટો: અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદથી ખેડૂતો ચિંતામાં, અમદાવાદ-ગાંધીનગરમાં પણ બદલાયું વાતાવરણ
ખેતીપાકને નુકસાનની ભીતી
કમોસમી વરસાદને કારણે સામાન્ય જનતાને ગરમીથી રાહત મળી છે, પરંતુ ખેતી ક્ષેત્રે ચિંતાના વાદળો ઘેરાયા છે. ઉનાળુ પાક અને ખાસ કરીને શાકભાજીના વાવેતરને આ વરસાદથી નુકસાન થવાની પૂરેપૂરી શક્યતા છે. ખેડૂતોનું માનવું છે કે, જો વરસાદનું જોર વધશે તો તૈયાર થયેલા પાકની ગુણવત્તા બગડી શકે છે અને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવી શકે છે.
ક્યાં વરસાદ પડ્યો?
દાહોદ શહેર, લીમડી (મીરાંખેડી), કડાણા (સરહદી ગામો), અને ખાનપુર. વીજળીના કડાકા અને કાળા વાદળો વચ્ચે વરસાદી માહોલ. તાપમાનમાં ઘટાડો અને વાતાવરણમાં ઠંડક, રસ્તાઓ પર પાણી ભરાયા. ખેતીના ઉભા પાકને નુકસાન જવાની ભીતિ.
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 24 કલાક દરમિયાન હજુ પણ કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડી શકે છે, જેના પગલે તંત્ર દ્વારા તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે.






