Home Gujarat Ahmedabad Gujarat Unseasonal Rain May 5 Dahod Aravalli Mahisagar

ગુજરાતના વાતાવરણમાં પલટો : અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદથી ખેડૂતો ચિંતામાં, અમદાવાદ-ગાંધીનગરમાં પણ બદલાયું વાતાવરણ

ગુજરાતમાં હવામાન પલટો
Image Credit: OBS Input
Published by: Chintan Chavda
Last Updated: May 05, 2026, 05:16 AM IST

ગુજરાતમાં ઉનાળાની વચ્ચે હવામાનનો અનોખો વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. જ્યાં રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ નોંધાયો હતો. ખાસ કરીને દાહોદ, અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં વહેલી સવારથી જ આકાશમાં કાળા વાદળો છવાઈ જતા વરસાદી માહોલ સર્જાયો હતો. આ અચાનક પડેલા માવઠાથી તાપમાનમાં ઘટાડો નોંધાયો અને ગરમીમાંથી લોકોને તાત્કાલિક રાહતનો અનુભવ થયો.

દાહોદ જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદી ઝાપટાં પડતાં શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ઠંડક પ્રસરી ગઈ હતી. માર્ગો પર પાણી ફરી વળ્યા હતા અને લોકો માટે ઉનાળાની વચ્ચે એક તાજગીભર્યો માહોલ સર્જાયો હતો. મહીસાગર જિલ્લામાં કડાણા તાલુકા સહિત ગુજરાત-રાજસ્થાન સરહદના ગામોમાં વહેલી સવારે વરસાદ વરસ્યો હતો, જ્યારે ખાનપુર અને આસપાસના વિસ્તારોમાં પણ હળવા ઝાપટાં નોંધાયા હતા.
અરવલ્લી જિલ્લામાં વ્યાપક અસર, અનેક તાલુકાઓમાં વરસાદ

અરવલ્લી જિલ્લામાં પણ 5 મેની વહેલી સવારથી જ હવામાનમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો હતો. માલપુર, મેઘરજ, મોડાસા અને યાત્રાધામ શામળાજી સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડતાં કેટલાક સ્થળોએ વૃક્ષો પડી જવાની ઘટનાઓ પણ સામે આવી હતી.

મોડાસાના નાદિસણ, મેઘરજના ઇસરી અને રેલ્લાવાડા, તેમજ જીતપુર જેવા અંતરિયાળ વિસ્તારોમાં પણ વરસાદી માહોલ સર્જાયો હતો. આ માવઠાને કારણે ગરમીમાં ઘટાડો નોંધાયો હતો અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જોકે, આ અચાનક વરસાદે ખેડૂતો માટે ચિંતા ઉભી કરી છે.

ખેડૂતો માટે ચિંતા: ઉભા પાકને નુકસાનની ભીતિ

કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં નુકસાનની ભીતિ વધી છે. ખાસ કરીને મકાઈ, બાજરી અને ઘાસચારા જેવા પાકો ખેતરમાં ઉભા હોવાથી તેમને નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. અરવલ્લી અને મહીસાગર સહિતના વિસ્તારોમાં ખેડૂતો દ્વારા પાકની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.

કચ્છના ભચાઉ અને અન્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ નોંધાતા ખેડૂતો માટે મુશ્કેલી ઊભી થઈ છે. કડોલ અને ખારોહી જેવા વિસ્તારોમાં પડેલા વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયું હતું, જેના કારણે પાકને નુકસાન થવાની આશંકા વધી છે. કૃષિ નિષ્ણાતોના મતે આ સમયગાળા દરમિયાન પડતો વરસાદ પાક માટે અનુકૂળ નથી અને તે ઉત્પાદન પર સીધી અસર કરી શકે છે.

હવામાન વિભાગની આગાહી: પવન સાથે વધુ પલટાની શક્યતા

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સહિત ત્રણ જેટલી હવામાન પ્રણાલીઓ સક્રિય હોવાથી પવનની દિશામાં ફેરફાર થયો છે. જેના કારણે કેટલાક વિસ્તારોમાં વરસાદી પરિસ્થિતિ સર્જાઈ છે. દાહોદ અને મહીસાગર જિલ્લામાં બપોર સુધી હળવો વરસાદ અને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી.

આ ઉપરાંત, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે રાજ્યમાં ભેજનું પ્રમાણ વધવાની શક્યતા છે, જેના કારણે ઉકળાટ અને બફારો યથાવત રહી શકે છે. હવામાન વિભાગે આગામી 10 દિવસ સુધી મોટાભાગે વાતાવરણ સૂકું રહેવાની આગાહી પણ કરી છે, એટલે કે હાલનો વરસાદ ટૂંકાગાળાનો રહી શકે છે.

આ પણ વાંચો: 1 વીઘા જમીન અને લાખોની કમાણી : આ ફૂલોની ખેતી કરી ખેડૂત બની રહ્યા છે માલામાલ, જાણો વાવેતરથી લઈને વેચાણ સુધીની સંપૂર્ણ રીત

મોટા શહેરોમાં ગરમી યથાવત

જ્યાં એક તરફ ઉત્તર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો, ત્યાં બીજી તરફ અમદાવાદ, રાજકોટ અને ગાંધીનગર જેવા શહેરોમાં ગરમીનો પ્રભાવ યથાવત રહ્યો છે. તાપમાન ફરી 40 ડિગ્રીને પાર જવાની શક્યતા છે અને અમદાવાદમાં 42 ડિગ્રી સુધી પહોંચે તેવી આગાહી કરવામાં આવી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગામી 6 દિવસ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ પરિસ્થિતિમાં નાગરિકોને ગરમી સામે સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને બપોરના સમયે બહાર જવાનું ટાળવું, પૂરતું પાણી પીવું અને હળવા કપડાં પહેરવા જરૂરી બની રહ્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now