બનાસકાંઠા: જિલ્લાના દાંતા તાલુકામાંથી માનવતાને શરમાવતી એક ઘટના સામે આવી છે. જેમાં એક પિતાએ જ પોતાની નવજાત બાળકીનો સોદો કરી દીધો હોવાનું બહાર આવ્યું છે. આ ઘટનાની તપાસ દરમિયાન પોલીસે તેલંગાણાની કુખ્યાત 'મુરગન ગેંગ'ના આંતરરાજ્ય બાળ તસ્કરીના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. બનાસકાંઠા LCB અને દાંતા પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને અત્યાર સુધીમાં 8 પુખ્ત અને 2 સગીર વયના આરોપીઓની ધરપકડ કરી છે.
પિતાએ જ બાળકીનો કર્યો સોદો
દાંતા તાલુકાના એક પિતાએ પોતાની નવજાત બાળકીનું પૈસાના લોભમાં વેચાણ કરી દીધું હતું. આ મામલે પોલીસને માહિતી મળતા જ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને આરોપીની ધરપકડ કરવામાં આવી છે. સમાજમાં જ્યાં પિતા સંતાન માટે રક્ષક માનવામાં આવે છે, ત્યાં આવી ઘટના માનવતાને કલંકિત કરે તેવી છે. આ સમગ્ર રેકેટનો પર્દાફાશ જલોત્રા પાસે થયેલી બાળકના અપહરણની ઘટના બાદ થયો હતો. પોલીસ જ્યારે આ અપહરણના કેસની કડીઓ મેળવી રહી હતી, ત્યારે તપાસના તાર આંતરરાજ્ય બાળ તસ્કરી ગેંગ સુધી પહોંચ્યા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, દાંતાના એક પિતાએ જ પોતાની નવજાત બાળકીને આ ગેંગને વેચી દીધી હતી.
તેલંગાણાની 'મુરગન ગેંગ'નો આતંક
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, તેલંગાણાનો બોદાશુ નાગારાજુ ઉર્ફે 'મુરગન' આ આખા રેકેટનો મુખ્ય સૂત્રધાર છે. આ ગેંગ હૈદરાબાદ અને આંધ્રપ્રદેશ સહિતના વિસ્તારોમાં ફેલાયેલી છે અને ગરીબ પરિવારો પાસેથી બાળકો ખરીદીને અન્ય રાજ્યોમાં વેચવાનું નેટવર્ક ચલાવે છે.
વડોદરામાં બેફામ બાઈક ચાલકે વૃદ્ધને કચડ્યા: પેન્શન લેવા નીકળેલા પાલિકાના નિવૃત્ત કર્મચારીનું હિટ એન્ડ રનમાં કરૂણ મોત
પોલીસની મોટી કાર્યવાહી: 10 ઝડપાયા
બનાસકાંઠા પોલીસ દ્વારા અત્યાર સુધીમાં આ કેસમાં કુલ 10 શખ્સોને દબોચી લેવામાં આવ્યા છે. જેમાં 8 પુખ્ત વયના આરોપીઓ અને ગુનામાં સંડોવાયેલા 2 સગીરોનો સમાવેશ થાય છે. અગાઉ પકડાયેલા આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતા તેમને સબ જેલ હવાલે કરવામાં આવ્યા છે, જ્યારે મુખ્ય આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 5મી મે સુધીના રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
રેલવે મુસાફરો માટે ખુશખબર: ઉનાળુ વેકેશનમાં ભીડને પહોંચી વળવા મુંબઈ-ઈન્દોર વચ્ચે દોડશે એસી સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન
હજુ મોટા ખુલાસા થવાની શક્યતા
ડી.વાય.એસ.પી. વી.બી. બારડે આ મામલે જણાવ્યું હતું કે, આમાં ટોટલ 3 ગુના દાખલ થયેલા છે, જેમાં 3 લોકોની સ્થાનિક લોકોની સંડોવણી જણાઈ આવેલ છે, જે ત્રણેય લોકો દાંતા અને અમીરગઢ વિસ્તારના છે. આ રેકેટના તાર અન્ય કયા રાજ્યો સાથે જોડાયેલા છે અને આ ગેંગે અત્યાર સુધીમાં કેટલા બાળકોની તસ્કરી કરી છે, તે દિશામાં પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. આગામી દિવસોમાં આ કેસમાં હજુ પણ કેટલાક મોટા ખુલાસા થવાની અને વધુ ધરપકડો થવાની શક્યતા છે.







