Home Gujarat Vadodara Vadodara Waghodia Road Hit And Run Vmc Retired Employee Live Lost

વડોદરામાં બેફામ બાઈક ચાલકે વૃદ્ધને કચડ્યા : પેન્શન લેવા નીકળેલા પાલિકાના નિવૃત્ત કર્મચારીનું હિટ એન્ડ રનમાં કરૂણ મોત

Vadodara Accident Hit and Run VMC Retired Employee
Published by: Nirali Gohil
Last Updated: May 05, 2026, 04:20 AM IST

Vadodara Accident: વડોદરા શહેરમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરીને બેફામ ગતિએ વાહન હંકારતા ચાલકો હવે નિર્દોષ નાગરિકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યા છે. શહેરના વાઘોડિયા રિંગ રોડ પર ગત શનિવારે વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) માંથી નિવૃત્ત થયેલા એક કર્મચારી જ્યારે પોતાના પેન્શનના નાણાં ઉપાડવા બેંક જઈ રહ્યા હતા, ત્યારે કાળરૂપી બાઈક ચાલકે તેમને અડફેટે લીધા હતા. આ હિટ એન્ડ રનની ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલા વૃદ્ધનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું છે. અકસ્માત સર્જ્યા બાદ બાઈક ચાલક માનવતા નેવે મૂકીને ઈજાગ્રસ્તની મદદ કરવાને બદલે ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ મામલે કપુરાઈ પોલીસે ગુનો નોંધીને સીસીટીવી (CCTV) ફૂટેજના આધારે આરોપીની શોધખોળ શરૂ કરી છે.

પેન્શનના નાણાં ઉપાડવા ગયા અને અકસ્માત નડ્યો

મળતી માહિતી મુજબ, તરસાલીના રેવા પાર્કમાં રહેતા 68 વર્ષીય બળદેવભાઈ પરમાર પાલિકાના સ્ટ્રીટ લાઈટ વિભાગમાં ફરજ બજાવી નિવૃત્ત થયા હતા. શનિવારે તેમના ખાતામાં પેન્શન જમા થયું હોવાથી તેઓ ખુશ હતા અને તે નાણાં ઉપાડવા માટે પોતાનું મોપેડ લઈને વાઘોડિયા રિંગ રોડ પર આવેલી બેંક તરફ નીકળ્યા હતા. પરિવારને ક્યાં ખબર હતી કે આ તેમની અંતિમ સફર બની રહેશે.

માસ્ક પહેરેલો બાઈક સવાર ટક્કર મારી નાસી છૂટ્યો

બળદેવભાઈ જ્યારે વાઘોડિયા રિંગ રોડ પર ભારત પેટ્રોલ પંપ પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે અચાનક એક પૂર ઝડપે આવતા બાઈક ચાલકે તેમને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ટક્કર એટલી જોરદાર હતી કે બળદેવભાઈ રોડ પર દૂર સુધી ફંગોળાયા હતા. અકસ્માત કરનાર યુવકે પોતાના મોં પર કાળા રંગનું માસ્ક બાંધ્યું હતું, જેથી તેની ઓળખ છુપાવી શકાય. અકસ્માત બાદ તે ભીડ જમા થાય તે પહેલાં જ ઝડપથી બાઈક ભગાવીને ત્યાંથી રફુચક્કર થઈ ગયો હતો.

આ પણ વાંચો: રેલવે મુસાફરો માટે ખુશખબર : ઉનાળુ વેકેશનમાં ભીડને પહોંચી વળવા મુંબઈ-ઈન્દોર વચ્ચે દોડશે એસી સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન

પરિવારમાં શોકની કાલિમા છવાઈ

ઘટનાની જાણ થતાં જ બળદેવભાઈનો પુત્ર કમલેશભાઈ તાત્કાલિક અકસ્માત સ્થળે પહોંચી ગયો હતો. લોહીલુહાણ હાલતમાં પિતાને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તબીબોએ તેમને બચાવવા પૂરતો પ્રયાસ કર્યો હતો, પરંતુ આંતરિક ઈજાઓ વધુ હોવાથી સારવાર દરમિયાન તેમણે દમ તોડ્યો હતો. પિતાના અચાનક અવસાનથી નિવૃત્ત કર્મચારીના પરિવારમાં માતમ છવાઈ ગયો છે.

પોલીસે સીસીટીવીના આધારે તપાસ તેજ કરી

આ ગંભીર બનાવ અંગે કપુરાઈ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ દ્વારા પેટ્રોલ પંપ અને આસપાસના રસ્તાઓ પર લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. મોં પર માસ્ક બાંધીને ફરાર થયેલા આ 'રોડ રોમિયો'ને ઝડપી પાડવા પોલીસે અલગ-અલગ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now