Home Gujarat Vadodara Crime Makarpura Gidc Vegetable Seller Dispute Stabbing Case

વડોદરાના મકરપુરા GIDC માં અસામાજિક તત્વોનો આતંક : ન જેવી બાબતે યુવક પર ચાકુથી જીવલેણ હુમલો, વીડિયો વાયરલ

વડોદરાના મકરપુરા GIDC માં અસામાજિક તત્વોનો આતંક
Published by: OBS Bureau
Last Updated: Mar 15, 2026, 06:31 AM IST

વડોદરા શહેરના માંજલપુર વિસ્તાર નજીક આવેલા મકરપુરા GIDC વિસ્તારમાં શાકભાજી વેચાણના ઓછા ભાવને લઈને શરૂ થયેલો વિવાદ હિંસક બનતા એક યુવક પર ચાકુથી હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. ઝપાઝપી દરમિયાન યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેને તાત્કાલિક સારવાર માટે SSG હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

મળતી માહિતી અનુસાર, મહેન્દ્રનગર વિસ્તારમાં રહેતા મુકીમ અનિશભાઈ પઠાણ (ઉંમર 32) શાકભાજીની ફેરી માટે ટેમ્પો લઈને નીકળ્યા હતા. મકરપુરા GIDC નજીક ભૂમિ ચોકડી પાસે ટેમ્પો બંધ પડી જતાં તેમણે રોડની બાજુમાં જ શાકભાજી વેચવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન નજીકમાં જ પથારો લગાવીને શાકભાજી વેચતા ઇમરાન તસીરખાન પઠાણ (ઉંમર 26) ત્યાં પહોંચ્યા હતા. ઓછા ભાવે શાકભાજી વેચાણ થતું હોવાનો આક્ષેપ કરતા બંને વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી.

પ્રારંભિક બોલાચાલી બાદ વાત ઉગ્ર બની ગઈ હતી. આ દરમિયાન ઇમરાનનો ભાઈ મોહમ્મદ સાબાન ખાન પણ ત્યાં આવી જોડાયો હતો. થોડી જ વારમાં બંને પક્ષ વચ્ચે ઝપાઝપી શરૂ થઈ ગઈ હતી. ઝપાઝપી દરમિયાન ઇમરાનના ભાણેજ શાહિદે ચાકુ કાઢી મુકીમ પર હુમલો કર્યો હતો. હુમલા દરમિયાન મુકીમને કમર, ગળા તેમજ ડાબી આંખ પાસે ઘા લાગતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો.

ઇજાગ્રસ્ત મુકીમે પોતાના ભાઈ સુફિયાનને ફોન કરીને ઘટનાની જાણ કરતા તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ત્યારબાદ 108 એમ્બ્યુલન્સની મદદથી મુકીમને સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે.

ઘટનાની જાણ થતાં માંજલપુર પોલીસ સ્ટેશનની ટીમ પણ હોસ્પિટલમાં પહોંચી હતી અને ઇજાગ્રસ્તનું નિવેદન નોંધવાની કાર્યવાહી હાથ ધરી હતી. મુકીમ પઠાણની ફરિયાદના આધારે ઇમરાન તસીરખાન પઠાણ, મોહમ્મદ સાબાન ખાન અને શાહિદ સહિત ચાર વ્યક્તિઓ સામે મારામારી અને જીવલેણ હુમલાનો ગુનો નોંધવામાં આવ્યો છે.

પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. શહેરમાં છેલ્લા કેટલાક સમયથી વધતી મારામારીની ઘટનાઓને લઈને ફરી એકવાર કાયદો અને વ્યવસ્થા અંગે ચિંતા વ્યક્ત થઈ રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now