Home International Viksit Bharat Ji Ram Ji Bill Congress Protest News

'ગાંધીજીની બીજી વખત હત્યા' : MNREGAનું નામ બદલવા પર પી.ચિદંબરમનું મોટું નિવેદન

'ગાંધીજીની બીજી વખત હત્યા'
Published by: OBS Bureau
Last Updated: Dec 17, 2025, 05:09 PM IST

કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા 'વિકસિત ભારત જી રામ જી બિલ'ને લઈને દેશના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. વિરોધ પક્ષ કોંગ્રેસ સહિતના અન્ય પક્ષોએ આ બિલ સામે ગંભીર વાંધા ઉઠાવ્યા છે. તેમનું કહેવું છે કે આ બિલ રાજ્યોના અધિકારો પર તરાપ મારતું હોવા ઉપરાંત મહાત્મા ગાંધીના સન્માન સાથે પણ જોડાયેલું છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમે આ બિલ દ્વારા મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર અધિનિયમ (MNREGA)નું નામ બદલવાને રાષ્ટ્રપિતાની બીજી હત્યા સમાન ગણાવ્યું છે.

MNREGA માં બદલાવ અને વિપક્ષનો આક્ષેપ

વર્તમાન MNREGA હેઠળ સરકાર ગ્રામીણ વિસ્તારોમાં 100 દિવસના રોજગારની ગેરંટી આપે છે અને કામ ઉપલબ્ધ ન હોય તો બેરોજગારી ભથ્થું પણ પૂરું પાડે છે. નવા બિલમાં આ 100 દિવસની ગેરંટીને વધારીને 125 દિવસ કરવાનો પ્રસ્તાવ છે, જ્યારે અન્ય શરતો યથાવત રાખવામાં આવી છે. જોકે વિપક્ષનો મુખ્ય આરોપ છે કે આ બિલ માત્ર નામ બદલવા પૂરતું સીમિત નથી, પરંતુ યોજનાની મૂળભૂત સંરચનામાં મોટા ફેરફારો કરીને તેના આત્માને બદલવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

પી. ચિદમ્બરમ: 'નેહરુ પછી હવે મહાત્મા ગાંધી નિશાન પર'

NDTVને આપેલા એક ઇન્ટરવ્યુમાં પી. ચિદમ્બરમે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, "વર્ષો સુધી જવાહરલાલ નેહરુને બદનામ કર્યા પછી, હવે તેઓ મહાત્મા ગાંધીને નિશાન બનાવી રહ્યા છે." ચિદમ્બરમે વધુમાં ઉમેર્યું કે, "કેન્દ્ર સરકાર ઈચ્છે છે કે બાળકોને મહાત્મા ગાંધી વિશે ખબર ન હોવી જોઈએ. તેઓ ભારતની જનતાની સ્મૃતિમાંથી મહાત્મા ગાંધીનું નામ ભૂંસી નાખવા માંગે છે." આ નિવેદનથી રાજકીય માહોલ વધુ ગરમાયો છે.

ભાજપનો પલટવાર: 'રામરાજ્ય તરફનું કદમ'

બીજી તરફ ભાજપે બુધવારે (17 ડિસેમ્બર 2025) લોકસભામાં જણાવ્યું કે 'વિકસિત ભારત-જી રામ જી વિધેયક, 2025' દેશમાં રામરાજ્ય લાવવા અને મહાત્મા ગાંધીના સપના સાકાર કરવા માટે લાવવામાં આવ્યું છે. જોકે, ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ સંબંધિત સંસદની સ્થાયી સમિતિના અધ્યક્ષ અને ઓડિશાના કોરાપુટના કોંગ્રેસ સાંસદ સપ્તગિરિ શંકર ઉલાકાએ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને પત્ર લખીને આ બિલને ઊંડાણપૂર્વક વિચાર-વિમર્શ માટે સંબંધિત સ્થાયી સમિતિ પાસે મોકલવાની વિનંતી કરી છે.

ઉલાકાએ પોતાના પત્રમાં ગંભીર ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, "આ વિધેયક અધિકારો આધારિત હકદારીને બદલીને કાયદાકીય ગેરંટીની પ્રકૃતિને મૂળભૂત રીતે બદલી રહ્યું છે. જેનાથી બંધારણીય યોગ્યતા, ન્યાયી અધિકારોના નબળા પડવા અને જવાબદેહી સુનિશ્ચિત કરવા સંબંધિત ગંભીર ચિંતાઓ પેદા થાય છે." આ બિલ પર સંસદમાં આગામી સમયમાં વધુ ઉગ્ર ચર્ચા થવાની સંભાવના છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now