શેર બજારમાં ભારે નફાની લાલચ આપી લોકો સાથે કરોડોની છેતરપિંડી કરનાર ગેંગના બે આરોપીઓને સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ ગાંધીનગર દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે. વધતા જતા સાયબર ગુનાઓને અટકાવવા માટે CID ક્રાઇમ અને રેલ્વેઝ દ્વારા કડક સૂચનાઓ આપવામાં આવી હતી, જેના અનુસંધાને આ મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આરોપીઓએ ફરીયાદીને વોટ્સએપ ગ્રુપમાં એડ કરીને પોતાને “PREMJI Invest” નામની ખોટી રીતે SEBI રજિસ્ટર્ડ કંપનીના ઇન્વેસ્ટમેન્ટ કન્સલ્ટન્ટ તરીકે રજૂ કર્યા હતા. શેર, IPO અને બ્લોક ટ્રેડિંગમાં મોટો નફો મળશે તેવી લાલચ આપી લિંક્સ અને એપ્લિકેશન ડાઉનલોડ કરાવી, બનાવટી KYC અને ટ્રેડિંગ પ્રક્રિયા બતાવી અલગ-અલગ બેંક ખાતાઓમાં કુલ રૂ. 2.32 કરોડથી વધુનું રોકાણ કરાવ્યું હતું. બાદમાં એપ્લિકેશનમાં ખોટો નફો બતાવી વિશ્વાસમાં લઈને પૈસા પરત ન આપતા છેતરપિંડીનો ભંડાફોડ થયો.
તપાસ દરમિયાન બેંક ખાતાઓ, મોબાઈલ નંબરો અને ટાવર ડમ્પ એનાલિસિસ આધારે અમદાવાદમાંથી બે આરોપીઓને પકડી પાડવામાં આવ્યા. આરોપીઓએ RADHE AUTOMOBILE નામની ફર્મના નામે ખાતાઓ ખોલાવી દેશભરમાં તેમજ વિદેશી સાયબર સિન્ડિકેટને નાણા મોકલ્યા હોવાનું બહાર આવ્યું છે.
NCCRP પોર્ટલ મુજબ આ ખાતાઓ સામે ગુજરાત સહિત 10 રાજ્યોમાં કુલ 22 ફરિયાદો નોંધાઈ છે, જેમાં રૂ. 8.45 કરોડથી વધુની છેતરપિંડી થઈ હોવાનો ખુલાસો થયો છે. પોલીસે મોબાઈલ ફોન અને પાસબુક સહિતનો મુદ્દામાલ કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.





















