Home Gujarat Vadodara Rakshit Chaurasia Accident Case Gujarat High Court Supreme Court

વડોદરાનો ચર્ચિત ‘રક્ષિત કાંડ’ : સુપ્રીમ કોર્ટે પણ આરોપીના જામીન રાખ્યા યથાવત, રાજ્ય સરકારની અરજી ફગાવી

વડોદરાનો ચર્ચિત ‘રક્ષિત કાંડ’
Published by: OBS Bureau
Last Updated: Mar 21, 2026, 05:03 AM IST

વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં ગત વર્ષે બનેલા ચકચારી અકસ્માત કેસમાં આરોપી રક્ષિત ચૌરસિયાને મોટી રાહત મળી છે. ગુજરાત હાઈકોર્ટે આપેલા જામીન વિરુદ્ધ રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટમાં કરેલી જામીન રદ કરવાની અરજી સર્વોચ્ચ અદાલતે ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના જામીન મંજૂર કરવાના નિર્ણયને યથાવત રાખ્યો છે, જેના પગલે હવે રક્ષિત જેલમુક્ત રહેશે.

ઘટનાની વિગત અને નશાનો ખેલ

13 માર્ચ, 2025ની રાત્રે મુક્તાનંદ સર્કલ પાસે નશામાં ચૂર રક્ષિત ચૌરસિયાએ પોતાની લક્ઝુરિયસ કાર 140 ની સ્પીડે હંકારી 8 લોકોને ફૂટબોલની જેમ ફંગોળ્યા હતા. આ ભયાનક અકસ્માતમાં હેમાલીબેન પટેલ નામની મહિલાનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે તેમના પતિ સહિત 7 અન્ય લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. એફએસએલ (FSL) રિપોર્ટમાં પુષ્ટિ થઈ હતી કે અકસ્માત સમયે રક્ષિત અને તેના મિત્રો ગાંજાના નશામાં હતા. અકસ્માત બાદ રક્ષિત કારમાંથી ઉતરીને ‘એનધર રાઉન્ડ’ અને ‘નિકિતા’ જેવી વિચિત્ર બૂમો પાડતો હોવાનું પણ સામે આવ્યું હતું.

હાઈકોર્ટનું અવલોકન અને જામીન

વડોદરાની નીચલી અદાલતે રક્ષિતની જામીન અરજી નામંજૂર કર્યા બાદ તેણે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. ગુજરાત હાઈકોર્ટે જામીન મંજૂર કરતા મહત્વનું અવલોકન કર્યું હતું કે, "આરોપી 23-24 વર્ષનો યુવાન વિદ્યાર્થી છે અને ટ્રાયલ પૂર્વે તેને લાંબો સમય સજા તરીકે જેલમાં રાખી શકાય નહીં." કોર્ટે વધુમાં એમ પણ નોંધ્યું હતું કે લોકોમાં ટ્રાફિક સેન્સનો અભાવ છે અને આ કેસ ફક્ત 'સેન્સેશનલ' હોવાથી જ તેનો વધુ વિરોધ થઈ રહ્યો છે. આખરે 1 લાખ રૂપિયાના બોન્ડ અને શરતી શરતો સાથે હાઈકોર્ટે તેને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો.

ટેકનિકલ પુરાવા અને પોલીસ કાર્યવાહી

પોલીસ તપાસમાં જર્મની મોકલવામાં આવેલા કારના ડેટા રિપોર્ટમાં સ્પષ્ટ થયું હતું કે અકસ્માત સમયે કારની ઝડપ 140 કિમી પ્રતિ કલાક હતી. આ કેસમાં રક્ષિત વિરુદ્ધ સાપરાધ મનુષ્યવધ અને NDPS એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. અંદાજે 9 મહિના વડોદરા સેન્ટ્રલ જેલમાં રહ્યા બાદ હવે સુપ્રીમ કોર્ટના ચુકાદાથી તેને કાયમી રાહત મળી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now