અમદાવાદના આનંદનગર વિસ્તારમાં જીવરાજ બ્રિજ નીચે થયેલી હત્યાના કેસમાં પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. ગત 2 મેના રોજ 52 વર્ષીય નટુ પરમાર પર લોખંડના પાઈપ વડે જીવલેણ હુમલો કરીને તેમની હત્યા કરવામાં આવી હતી. હવે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ હત્યા પરિવારના આંતરિક વિવાદ અને ગર્ભપાતને લઈને ચાલી રહેલી અદાવતના કારણે કરવામાં આવી હતી.
ઝોન-7 LCB અને આનંદનગર પોલીસના સંયુક્ત ઓપરેશનમાં હત્યા કેસના ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં કાંતિ વાણા, ભાવેશ પરમાર અને હસમુખ વાઘેલાનો સમાવેશ થાય છે. જ્યારે એક અન્ય આરોપી કેતન ગળચોટ હજુ ફરાર હોવાનું પોલીસ સૂત્રો જણાવે છે.
જીવરાજ બ્રિજ નીચે ધોળા દિવસે થયો હુમલો
આ સમગ્ર ઘટના અમદાવાદના જીવરાજ બ્રિજ નીચે આવેલા વિસ્તારમાં બની હતી. બાપા સીતારામ મોબાઈલ શોપ નજીક નટુ પરમાર પર અચાનક હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોરોએ લોખંડની પાઈપ વડે તેમના પર સતત હુમલો કર્યો હતો. પોલીસ મુજબ, નટુ પરમારને 36 જેટલા ફટકા મારવામાં આવ્યા હતા, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
આ હુમલાના દ્રશ્યો નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થયા હતા. વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી અને પોલીસ તાત્કાલિક તપાસમાં જોડાઈ હતી.
નર્મદા જિલ્લાએ SSC પરિણામમાં ગુજરાતમાં પ્રથમ સ્થાન મેળવી રચ્યો ઈતિહાસ: જાણો જિલ્લાનું કેટલા ટકા આવ્યું પરિણામ
પાંચ વર્ષ જૂના પ્રેમલગ્ન બાદ શરૂ થયો વિવાદ
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મૃતક નટુ પરમારના પુત્ર કૌશિક પરમારે પાંચ વર્ષ પહેલા માલવિકા નામની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. શરૂઆતમાં બંને પરિવાર વચ્ચે સંબંધ સામાન્ય રહ્યા હતા, પરંતુ છેલ્લા કેટલાક મહિનાથી બંને પક્ષ વચ્ચે સતત તણાવ ચાલી રહ્યો હતો.
તપાસ મુજબ, આ વિવાદનું મુખ્ય કારણ માલવિકાનો થયેલો ગર્ભપાત હતો. ગર્ભપાત કેવી રીતે થયો અને તેના માટે જવાબદાર કોણ તે મુદ્દે બંને પરિવારો વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા. પોલીસ માને છે કે આ જ અદાવત અંતે હત્યા સુધી પહોંચી હતી.
પુત્રવધૂના સંબંધીઓ પર હત્યાનો આરોપ
પોલીસ મુજબ, હત્યામાં સંડોવાયેલા લોકો મૃતકના પુત્ર કૌશિકના સસરા પક્ષ સાથે જોડાયેલા છે. આરોપીઓમાં કૌશિકના મામાજી સસરા સહિતના સંબંધીઓ સામેલ હોવાનું સામે આવ્યું છે.
પોલીસે ટેકનિકલ સર્વેલન્સ, CCTV ફૂટેજ અને બાતમીદારોની મદદથી આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી. પૂછપરછ દરમિયાન આરોપીઓએ પરિવારિક અદાવતને કારણે હુમલો કર્યો હોવાની કબૂલાત કરી હોવાનું પોલીસ સૂત્રો જણાવે છે.
New LPG Rule: હવે એક ઘર માટે LPG અને PNG બંને કનેક્શન નહીં?: સરકારે લાગુ કર્યા નવા નિયમો
હત્યા બાદ બનાસકાંઠા ભાગી ગયા હતા આરોપીઓ
હત્યા કર્યા બાદ આરોપીઓએ પોલીસને ચકમો આપવા માટે પૂર્વ આયોજન કર્યું હતું. પ્રાથમિક તપાસ મુજબ, હુમલા બાદ આરોપીઓ બાઈક પર રાણીપ વિસ્તારમાં પહોંચ્યા હતા. ત્યારબાદ બાઈક ત્યાં જ મૂકી બસ મારફતે બનાસકાંઠા તરફ ફરાર થઈ ગયા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓ સતત પોતાનું લોકેશન બદલતા રહ્યા હતા અને નાના ગેસ્ટ હાઉસ તથા મંદિરોમાં આશરો લઈ રહ્યા હતા, જેથી પોલીસ સુધી તેમની માહિતી ન પહોંચે.
જો કે, ઝોન-7 LCB અને આનંદનગર પોલીસે સંયુક્ત કામગીરી કરીને બનાસકાંઠા વિસ્તારમાંથી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. હાલ ફરાર આરોપી કેતન ગળચોટને શોધવા માટે વિવિધ ટીમો કાર્યરત કરવામાં આવી છે.
રિક્ષાની રાહ જોતી યુવતી પર ફિલ્મી ઢબે જીવલેણ હુમલો: ધોળા દિવસે યુવતીને પરાણે ઝેર પીવડાવી પેટમાં ચપ્પુના ઘા ઝીંક્યા
પોલીસ હવે શું તપાસ કરશે?
હાલ પોલીસ આરોપીઓની વધુ પૂછપરછ કરી રહી છે. હત્યાનું પૂર્વ આયોજન કેટલા સમયથી ચાલી રહ્યું હતું, તેમાં અન્ય કોઈની સંડોવણી હતી કે નહીં અને હુમલા માટે હથિયારો ક્યાંથી લાવવામાં આવ્યા હતા તે મુદ્દે તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.
આ કેસે ફરી એકવાર પરિવારિક વિવાદ અને અંગત અદાવત કેવી રીતે ગંભીર ગુનામાં પરિવર્તિત થઈ શકે તે અંગે પ્રશ્નો ઉભા કર્યા છે.





