ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા તુષાર ચૌધરીએ રાજ્ય સરકાર પર સતત ભ્રષ્ટાચાર અને અન્યાયના ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જમીન સંપાદનના કૌભાંડથી લઈને ખેડૂતોની પરિસ્થિતિ સુધી અનેક મુદ્દાઓને લઈ સરકાર સામે ગંભીર આક્ષેપો કર્યા છે.
ઓલપાડ પાવરગ્રિડ પ્રોજેક્ટમાં કૌભાંડનો આક્ષેપ
તુષાર ચૌધરીએ જણાવ્યું કે, ઓલપાડ ખાતે પાવરગ્રિડ કોર્પોરેશન દ્વારા 665 કેવી લાઇન માટે જમીન સંપાદન પ્રક્રિયા શંકાસ્પદ રીતે ઝડપથી પૂર્ણ કરવામાં આવી છે. તેમણે ખુલાસો કર્યો કે, ''માત્ર 14 દિવસમાં 87 વિઘા જમીન બિનખેતી બનાવી દેવામાં આવી, જે કાયદેસર રીતે શક્ય જ નથી''.
''મંત્રી, જેને સૌ જાણે છે, તેમની સીધી સંડોવણી છે''
જમીનનો વળતર જો ખેતીવાડી દરે આપવાનો હોત તો માત્ર ₹59 કરોડ લાગત, પરંતુ હવે પાવરગ્રિડ કોર્પોરેશનને ₹115 કરોડ સુધી ચૂકવવા પડી શકે છે, એટલે કે 56 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાનું આક્ષેપ કર્યો છે. તેમણે આરોપ મૂક્યો કે, "ઓલપાડના ધારાસભ્ય અને મંત્રી, જેને સૌ જાણે છે, તેમની સીધી સંડોવણી છે. મંત્રીઓના મળતીયા અને અધિકારીઓ અગાઉથી જમીન ખરીદીને ભાવ વધારવાનું ષડયંત્ર રચે છે, સર્વે નંબર અને દસ્તાવેજી પુરાવા અમારી પાસે છે"
બોટાદના હડદડ ગામના ખેડૂત મુદ્દે કોંગ્રેસની સાથેદારી
બોટાદના હડદડ ગામમાં થયેલા ખેડૂત અને પોલીસ વચ્ચેના ઘર્ષણ મામલે પણ તુષાર ચૌધરીએ મૌન તોડ્યું અને કહ્યું કે, "કોંગ્રેસ હંમેશા ખેડૂતોની સાથે રહી છે. અત્યાચાર સામે કોંગ્રેસે અવાજ ઊંઠાવ્યો અને નેતાની ધરપકડ સુધી રજુઆત કરી છે. ભાજપના ધારાસભ્યોને એટલી હિંમત જ નથી કે ખેડૂતોના પ્રશ્નો પર પોલીસ સામે ઉભા રહી શકે. જો મુખ્યમંત્રી પણ બદલાઈ જાય, તો નવાઈ નહીં – કારણ કે હાલ સરકારની અંદર અસ્થિરતા છે"
"હાલ અડધું મંત્રીમંડળ અમારું જ છે...''
તેમણે વધુ એક વખત સરકારની આંતરિક સ્થિતિ પર ટીકા કરતાં જણાવ્યું કે, "હાલ અડધું મંત્રીમંડળ અમારું જ છે, જે કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા છે તેઓ મહત્વના ખાતાઓના મંત્રી છે."
સુરતમાં રહેણાંક વિસ્તારોમાં ઔદ્યોગિક ગેરરીતિઓનો આક્ષેપ
સુરત મહાનગરપાલિકા સંદર્ભે તુષાર ચૌધરીએ જણાવ્યું કે, "રહેણાંક વિસ્તારોમાં કોટેજ ઇન્ડસ્ટ્રીઝ માટે મંજૂરી આપવામાં આવી છે. માત્ર પાંચ માળ સુધીની પરવાનગી હોવા છતાં વધારે ઊંચી બિલ્ડિંગો ઉભી થાય છે. આવી ઇન્ડસ્ટ્રીઝના કારણે સ્થાનિક લોકોને અનેક તકલીફો પડે છે"