Haddad Village Babal News : બોટાદ જિલ્લાના હડદડ ગામમાં ખેડૂત મહાપંચાયત દરમિયાન પોલીસે અને સ્થાનિકોમાં થયેલા ઘર્ષણ બાદ ગામમાં ભારે તંગદિલી સર્જાઈ હતી. આ બનાવ બાદ પોલીસે અનેક લોકોથી પુછપરછ કરીને અટકાયત પણ કરી હતી. જોકે, તપાસ બાદ તમામ નિર્દોષોને મુક્ત કરવામાં આવ્યા છે, જેના કારણે ગામમાં હવે શાંતિનો માહોલ જોવા મળ્યો છે.
ગામના આગેવાનોએ રજુઆત કરી હતી
ઘર્ષણ બાદ હડદડ ગામના સરપંચ સેજલબેન જમોડના પતિ સોમાભાઈ જમોડ અને અન્ય આગેવાનોએ પોલીસ સમક્ષ નિર્દોષ લોકો છોડવા રજુઆત કરી હતી. પોલીસ દ્વારા યોગ્ય તપાસ અને પુછપરછ બાદ નિર્દોષ તમામ અટકાયતગ્રસ્ત લોકોને છોડવામાં આવ્યા હતા.
મહાપંચાયત આમ આદમી પાર્ટીનું ષડયંત્ર હતું": સરપંચ પતિના ગંભીર આક્ષેપો
ઘર્ષણ બાદ સરપંચ પતિ સોમાભાઈ જમોડે એક ગંભીર ખુલાસો કરતા જણાવ્યું હતું કે, "આ મહાપંચાયત આમ આદમી પાર્ટી (AAP) દ્વારા આયોજન કરાયેલ ષડયંત્ર હતું." તેમનું કહેવું છે કે આ મહાપંચાયત માટે ગામ પંચાયતી મંજુરી પણ લેવામાં આવી નહોતી અને ગામના મુખીઓને પણ માહિતી નહોતી આપવામાં આવી. મૂળભૂત આયોજન અનુસાર મહાપંચાયત માર્કેટિંગ યાર્ડમાં યોજાવાની હતી, પણ "રાજુ કરપડા અને તેની ટોળકી દ્વારા અચાનક હડદડ ગામના કાચા રસ્તા પર સભા શરૂ કરી દેવામાં આવી, જેના પગલે આજુબાજુના લોકો સભા જોવા જતાંઘર્ષણ સર્જાયું."
''ખેડૂતોના પ્રશ્નો માટે સામસામે બેઠકો કરીને ચર્ચા થવી જોઈએ''
તેમણે કહ્યું કે, "સભા દરમિયાન રાજુ કરપડાએ ઉશ્કેરણીજનક ભાષણ કર્યા હતા, જેના કારણે મામલો બગડ્યો. બહારથી આવેલા લોકોએ પોલીસ પર પથ્થરમારો પણ કર્યો હતો" તેમણે જણાવ્યું કે, "ખેડૂતોના પ્રશ્નો માટે સામસામે બેઠકો કરીને ચર્ચા થવી જોઈએ, આ રીતે જાહેરમાં ઉશ્કેરણીજનક ભાષણો કરીને વાત બગાડવી એ AAPના ષડયંત્રનો હિસ્સો હોય શકે છે."