Revenue Talati Exam : મહેસૂલ તલાટી વર્ગ-3ની મુખ્ય પરીક્ષા આજે 14 ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે અને તે ત્રણ દિવસ સુધી એટલે કે 16 ઓક્ટોબર સુધી યોજાવાની છે. રાજ્યભરમાં વિવિધ પરીક્ષા કેન્દ્રો પર આ પરીક્ષા લેવામાં આવશે. આજે બપોરે 3 વાગ્યાથી પ્રથમ પેપર શરૂ થશે, ત્યારે તમામ ઉમેદવારોને ફરજીયાત 1:30 વાગ્યે પરીક્ષા કેન્દ્ર પર પહોંચીને રિપોર્ટિંગ કરાવવાનું રહેશે.
11,945 ઉમેદવારો મુખ્ય પરીક્ષા આપશે
આ વખતે મહેસૂલ તલાટી વર્ગ-3ની કુલ 2389 જગ્યાઓ માટે મુખ્ય પરીક્ષા યોજાઈ રહી છે. અગાઉ ઓએમઆર આધારિત પ્રાથમિક પરીક્ષા લેવાઈ હતી જેમાં 3 લાખથી વધુ ઉમેદવારોએ ભાગ લીધો હતો. ત્યારબાદ વિવિધ કેટેગરી પ્રમાણે કટ-ઓફ માર્ક્સ જાહેર કરીને, કુલ જગ્યાઓના પાંચ ગણા ઉમેદવારોને મુખ્ય પરીક્ષા માટે લાયક ઠેરવવામાં આવ્યા છે. એટલે હવે 2389 જગ્યાઓ માટે આશરે 11,945 ઉમેદવારો મુખ્ય પરીક્ષા આપી રહ્યાં છે.
ત્રણ વિષયોના પેપર લેવામાં આવશે
મુખ્ય પરીક્ષામાં ત્રણ વિષયોના પેપર લેવામાં આવશે. અંગ્રેજી ભાષાના 100 ગુણ તેમજ ગુજરાતી ભાષાના 100 ગુણ અને જનરલ સ્ટડી (સામાન્ય અભ્યાસ) 150 ગુણ આમ ત્રણ પેપર લેવામાં આવશે.
પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ સમયે આ ઓળખ પત્ર સાથે રાખવા
ઉમેદવારો માટે કેટલીક મહત્વની સૂચનાઓ પણ જાહેર કરવામાં આવી છે. દરેક ઉમેદવારોએ પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ સમયે પોતાની ઓળખ માટે પાસપોર્ટ સાઇઝનું ફોટો અને કોઈ પણ માન્ય ઓળખપત્ર સાથે લાવવું ફરજીયાત છે. માન્ય ઓળખપત્રમાં આધાર કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ, પાસપોર્ટ કે ચૂંટણી ઓળખપત્ર લાવવું જરૂરી છે. સાથે સાથે પ્રવેશપત્ર (Hall Ticket) પણ આવશ્યક છે, તેના વિના પ્રવેશ આપવામાં આવશે નહી.