ગાંધીનગરના ઇન્દ્રોડા ગામમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં કિલ્લાના વિસ્તારમાં એક યુવકની નિર્મમ હત્યા કરાયેલી લાશ મળી આવી છે. આ ઘટનાની જાણ ત્યારે થઈ જ્યારે સવારે કિલ્લા પાસે ફરતા લોકોની નજર લાશ પર પડી અને તેમણે આ મામલાની ગાંધીનગર ઈન્ફોસિટી પોલીસને જાણ કરી હતી.ઘટનાની જાણ થતાં તાત્કાલિક ધોરણે ગાંધીનગર ઈન્ફોસિટી પોલીસે ઘટના સ્થળે પહોંચી પ્રાથમિક તપાસ હાથ ધરી હતી, જેમાં લાશની નજીકથી એક રિક્ષા અને ધરિયા મળી આવ્યા હતા. આ પરથી સ્પષ્ટ થાય છે કે યુવકની હત્યા ધારદાર હથિયારથી કરવામાં આવી છે.
આ ઘટનાથી ઇન્દ્રોડા ગામ અને આસપાસના વિસ્તારોમાં ચકચાર મચવા પામ્યો છે. લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે એકત્રિત થઈ ગયા હતા. ગાંધીનગર ઈન્ફોસિટી પોલીસ દ્વારા તાત્કાલિક જ સ્થળને કોર્ડન કરી ફોરેન્સિક ટીમને બોલાવવામાં આવી હતી. હાલ મૃતકની ઓળખ કરવા અને હત્યાનું કારણ જાણવા પ્રયાસો ચાલી રહ્યા છે.