ગુજરાતના રાજકારણમાં મોટા ફેરફારની અટકળો હાલ તેજ બની ગઈ છે. આગામી બે દિવસમાં રાજ્યના મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે તેવું રાજકીય સૂત્રોનું અનુમાન છે, નવા મંત્રીમંડળના ગોળધાણાની ચર્ચાને CMની PM સાથે મુલાકાતથી વધી છે. સૂત્રો અનુસાર રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મહામંત્રી રત્નાકર તાજેતરમાં દિલ્હી પહોંચ્યા હતા, જ્યાં ગઈકાલે તેમની પાંચ કલાક સુધી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.
મંત્રીમંડળનું વિસ્તરણ થવાની પૂરી શક્યતા
આ બેઠક બાદ એવું મનાય છે કે, દિવાળીના પહેલા 16 ઓક્ટોબરની આજું બાજું રાજ્યમાં મંત્રીમંડળનું વિસ્તરણ થવાની પૂરી શક્યતા છે. આ ચર્ચાઓને વધુ બળ ત્યારે મળ્યું જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હીમાં જ રોકાયા છે અને તેમનો આજનો પૂર્વનિયોજિત રવિ કૃષિ મહોત્સવનો કાર્યક્રમ રદ કરી દેવામાં આવ્યો છે. બીજી તરફ જગદીશ વિશ્વકર્માનો વડોદરામાં યોજાનાર રેલીનો કાર્યક્રમ યથાવત રાખવામાં આવ્યો છે, જે દર્શાવે છે કે પ્રદેશ અધ્યક્ષની હાજરી રાજ્યમાં ચાલુ રાખવા માગે છે.
રાજકીય ગતિવિધિ તેજ
આંતરિક રાજકીય ગતિવિધિઓ વચ્ચે મોહન ભાગવત પણ આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે છે, જે સાથે જોડાઈને આગામી રાજકીય સમીકરણોને વધુ રોચક બનાવી શકે છે. આરએસએસના સર સંઘચાલકનો રાજ્યમાં હાજર હોવો પણ સરકાર અને સંગઠન વચ્ચેના સંકલન માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ તમામ ઘટનાઓને લઈ રાજ્યના રાજકારણમાં મોટા ફેરફારની શક્યતાઓ ઊભી થઈ છે અને હવે સૌની નજર દિવાળી પહેલા થનારા મંત્રીમંડળના સંભવિત વિસ્તરણ પર છે.