પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ઉદલપુર નજીક પંડ્યાપુરા ગામે આજે એક ગંભીર ઘટના બની છે, જેમાં ભગીરથ માઇન્સમાં બ્લાસ્ટિંગ દરમિયાન પથ્થરનો એક ટુકડો ઊડીને રેલવેની મુખ્ય OHE વીજ કેબલ પર પડતા ટેકો આપતી સ્ટે ટ્યુબ અને બ્રેકેટ ટ્યુબ તૂટી ગઈ, જેના કારણે વીજ લાઈન ક્ષતિગ્રસ્ત બની.
માઈન્સના બ્લાસ્ટિંગથી રેલવે વીજ લાઈનને નુકસાન
સ્થાનિક માહિતી અનુસાર, પંડ્યાપુરા ગામ નજીક આવેલી ભગીરથ માઇન્સમાં બિનસુરક્ષિત રીતે બ્લાસ્ટિંગ ચાલતું હતું. બ્લાસ્ટિંગ દરમિયાન પથ્થર ઊડીને રેલવેના મુખ્ય વીજ પુરવઠા પર પડતા વીજ સ્થાપિત સ્ટ્રક્ચર તૂટી પડ્યું, જેના કારણે OHE લાઇન નુકસાન થયું હતું.
ગ્રામજનોએ ટ્રેન રોકવાનો કર્યો પ્રયાસ
સ્થાનિક ગ્રામજનો દ્વારા આ મામલે તરત જ પસાર થતી માલગાડી રોકવાનો પ્રયાસ કર્યો, જેનો વીડિયો પણ વાયરલ થયો છે. ટ્રેનને અટકાવવા માટે લોકોએ લાલ કપડાં બતાવી ચેતવણી આપી, જેથી મોટી દુર્ઘટના ટળી ગઈ હતી.
વીજ પુરવઠો ખોરવાતા ટ્રેન થંભી ગઈ
OHE લાઈન ખોરવાતા રેલવે વીજ પુરવઠો બંધ થવાના કારણે ટ્રેન થંભી ગઈ હતી, પણ સદનસીબે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની નોંધાઈ નથી. રેલવે વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ, ટ્રેન વ્યવહાર પર પણ મોટો અસર થયો નથી.
રેલવે ટેકનીકલ ટીમ ઘટનાસ્થળે પહોંચી
ઘટનાની જાણ થતાં જ રેલવેના અધિકારીઓ અને ટેકનિકલ ટીમ ઘટના સ્થળે પહોંચી, વિજ લાઈનને પૂર્વવત કરવાની કામગીરી તાત્કાલિક શરૂ કરી હતી.
માઈન્સ સામે સ્થાનિકોના ગંભીર આક્ષેપ
સ્થાનિક રહીશોનો આરોપ છે કે, ભગીરથ માઇન્સમાં અવાર નવાર કોઈપણ પ્રકારની સુરક્ષા કાયદા અને નિયમોના ઉલ્લંઘન સાથે બ્લાસ્ટિંગ કરવામાં આવે છે, જેને લઈ આજની ઘટનાએ ભવિષ્યમાં મોટી દુર્ઘટનાનું ચિંતાજનક સંકેત આપ્યું છે.