અમદાવાદમાં સાયબર ક્રાઇમનું કૌભાંડ સામે આવ્યું છે, જેમાં ફેસબુક મારફતે ઇન્વેસ્ટમેન્ટ સ્કીમના નામે એક વ્યક્તિ સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરાઈ હોવાનું સામે આવ્યું છે.
હકીકતમાં, ફરીયાદી પોતાના મોબાઇલમાં ફેસબુક એપ્લિકેશન ચલાવતા હતા ત્યારે તેમને “INDIRA Finance Services” નામની એક એડ જોવા મળી હતી, જેમાં ઇન્વેસ્ટમેન્ટની લુભામણી સ્કીમ બતાવવામાં આવી હતી. તે લિંક ખોલતાં તેઓને “Trend Exchange Group” નામના વોટ્સએપ ગ્રુપમાં એડ કરવામાં આવ્યા હતા. બાદમાં અલગ-અલગ મોબાઇલ નંબરથી તેમને ઇન્વેસ્ટમેન્ટ ટીપ્સ અને IPOમાં રોકાણ કરવા માટેના મેસેજ આવવા લાગ્યા હતા.
ફરીયાદીએ “દિશા ચૌધરી” નામની મહિલા સાથે ઇન્વેસ્ટમેન્ટ માટે વાતચીત કરી અને “INDIRA Finance Services”ના પેજ પર પોતાનું નામ, મોબાઇલ નંબર, આધાર કાર્ડ અને પાન કાર્ડની માહિતી આપીને રજીસ્ટ્રેશન કર્યું હતું. ત્યારબાદ તેમને “S5-INDIRA customer service centre” નામના ગ્રુપમાં જોડવામાં આવ્યા હતા, જ્યાંથી “INDIRA APP” નામની એપ્લિકેશન ડાઉનલોડ કરાવાઈ અને વધુ નફો કમાવાની લાલચ આપી ઇન્વેસ્ટ કરાવવામાં આવ્યું.શરૂઆતમાં ફરીયાદીએ 27 ડિસેમ્બર, 2024ના રોજ 25,000 રૂપિયાનું ઇન્વેસ્ટ કર્યા હતા, જેમાંથી 1,200 રૂપિયા નફો તેમને પાછો મળતાં તેમને વિશ્વાસ થયો. ત્યારબાદ ગ્રુપ એડમિનના કહેવા મુજબ તેઓએ વિવિધ બેંક ખાતાઓમાં અલગ-અલગ તારીખે કુલ 41,04,074 રૂપિયા જેટલું રોકાણ કર્યું હતું. પરંતુ બાદમાં રકમ પરત ન મળતાં તેમને છેતરપિંડીની શંકા થઈ. ત્યારબાદ તેમણે સાયબર ક્રાઇમ હેલ્પલાઇન 1930 પર ફરિયાદ નોંધાવી હતી.
ફરીયાદના આધારે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, અમદાવાદ શહેરમાં ગુ.ર.નં. 11191067250117/2025 હેઠળ ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 54, 61(2)(A), 316(2), 318(4) તથા IT એક્ટની કલમ 66(C) અને 66(D) મુજબ ગુનો નોંધાયો હતો.
પોલીસ કમિશનરશ્રી તથા સંયુક્ત પોલીસ કમિશનર (ક્રાઇમ) ના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ પોલીસ ટીમે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન આરોપીઓનું લોકેશન નવસારી અને સુરત વિસ્તારમાં હોવાનું બહાર આવ્યું. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે.
આરોપીઓની ઓળખ નીચે મુજબ છે
છેતરપિંડી કરનાર ત્રણ આરોપી વિશાલ ચંદ્રકાંત ઢોલે, જતીન જીવરાજભાઈ દેસાઈ અને રાજેશભાઈ બાબુભાઈ પટેલ છે.
પોલીસે આરોપીઓ પાસેથી નીચે મુજબનો મુદ્દામાલ કબ્જે કર્યો છે
વિશાલ ઢોલે પાસેથી વીવો કંપનીનો મોબાઇલ (મોડલ V2437), જતીન દેસાઈ પાસેથી iPhone 16 Pro Max અને Vivo V25 Pro અને રાજેશ પટેલ પાસેથી iPhone 13 અને Oneplus 11R મળી આવ્યો છે.
તપાસ દરમ્યાન સામે આવ્યું
વિશાલ ઢોલેના કેનેરા બેંક ખાતા પર અત્યાર સુધીમાં 12 જેટલી સાયબર ફરિયાદો નોંધાઈ છે. તેણે 15000 રૂપિયા કમિશન લઈને પોતાનું એકાઉન્ટ, એ.ટી.એમ. અને સિમકાર્ડ જતીન દેસાઈને આપ્યું હતું. ત્યારબાદ જતીન દેસાઈએ તે એકાઉન્ટ રાજેશ પટેલને આપ્યું, જેમણે તેનાથી 5000 કમિશન મેળવ્યો હતો. રાજેશ પટેલે આ એકાઉન્ટ “દર્શન પટેલ” નામના અન્ય આરોપીને આપ્યું હતું, જે દુબઈમાંથી નાણા ઉપાડતો હતો.
ફોનની તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીઓએ 35 અલગ અલગ બેંક એકાઉન્ટનો ઉપયોગ કર્યો હતો, જેમાંથી 25 એકાઉન્ટ્સ પર અલગ-અલગ સાયબર ફરિયાદો નોંધાઈ ચુકી છે.