અમદાવાદના પૂર્વમાં આવેલા વિરાટનગર વિસ્તારમાં પાટીદાર અગ્રણી અને બિલ્ડરની હત્યા કેસમાં પોલીસે ત્રણ આરોપીઓને દબોચી લીધા છે. જાણીતા બિલ્ડર હિંમત રૂડાણી હત્યા કેસને લઈ પોલીસે વિવિધ ટીમો બનાવીને તપાસ હાથ ધરી હતી. જેમાં CCTV સહિતના પુરાવાના આધારે પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે.
આરોપીઓને સિરોહીથી દબોચી લીધા
અત્રે જણાવીએ કે, બિલ્ડર હત્યાં કેસમાં પોલીસે ત્રણ આરોપીઓને રાજસ્થાનના સિરોહીથી દબોચી લીધા છે. હત્યાં પછી આરોપીઓ રાજસ્થામાં ભાગી ગયા હતા. જેના પગલે ઝોન 5 LCBની ટિમો અને ઓઢવ પોલીસની ટીમે આરોપીઓનું પગેરું નીકાળ્યું હતું. જે તમામ આરોપીઓને રાજસ્થાનમાં જ દબોચી લીધા હતા, જેમને અમદાવાદ લાવવામાં તજવીજ હાથ ધરાઈ છે.
આરોપીઓના નામ
(1) હિંમાશું ઉર્ફે રાહુલ હરીશભાઇ રાઠોડ રહે.હિરાવાડી, અમદાવાદ શહેર
(2) પપ્પુ હિરાજી મેઘવાલ રહે.જાવલ શીરોહી
(૩) કાયદાના સંધર્ષમાં આવેલ એક બાળક
હિંમત રૂડાણીની હત્યા
મર્સિડીઝ કારમાંથી શંકાસ્પદ દુર્ગંધ આવતાં આસપાસના સ્થાનિક લોકોએ તરત પોલીસને જાણ કરી હતી. જાણ મળતાની સાથે ઓઢવ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે ત્યાં તપાસ હાથ ધરી અને કારમાંથી એક પુરુષનું લોહીલુહાણ મૃતદેહ મળી આવ્યું, જેની ઓળખ હિંમત રૂડાણી તરીકે થઈ હતી.
શરીર પરથી તીક્ષ્ણ ઘાના નિશાન મળી આવ્યા
મૃતદેહ પર તીક્ષ્ણ હથિયારોથી ઘા મારેલા અનેક નિશાન મળી આવ્યા હતા, જેના કારણે ઘટના નિર્મમ હત્યાની શંકા ગઈ હતી. મૃતક હિંમતભાઈ રિયલ એસ્ટેટ ક્ષેત્રે સક્રિય હતા અને પાટીદાર સમાજમાં તેમનો ઉંચો દરજ્જો હતો.
પોલીસે વિવિધ ટીમો બનાવી તપાસ હાથધરી હતી
પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડી અને ગુનાની ગંભીરતા જોઈ તપાસ વિવિધ ટીમો બનાવી CCTV ની પણ તપાસ હાથધરી હતી. પ્રાથમિક તારણ મુજબ આ હત્યા પૈસાની લેવડદેવડ સાથે હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ પોલીસે ત્રણ આરોપીને ઝડપીને વધુ પૂછપરછ હાથ ધરી છે. આ બનાવને લઈ શહેરમાં ચકચાર મચી ગઈ છે અને પાટીદાર સમાજમાં શોકની લાગણી ફેલાઈ છે.