હવામાન વિભાગની આગાહી મુજબ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. રાજકોટ શહેરમાં સાંજે 5 વાગ્યાના અરસામાં અચાનક અંધારપટ છવાઈ ગયો હતો અને કરા સાથે ભારે પવન ફૂંકાયો હતો. માત્ર બે કલાકમાં જ દોઢ ઈંચ જેટલો વરસાદ ખાબકતા શહેરના મુખ્ય માર્ગો પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. વિઝિબિલિટી એટલી ઘટી ગઈ હતી કે વાહનચાલકોએ દિવસે પણ લાઈટો ચાલુ રાખવાની ફરજ પડી હતી. આ અચાનક આવેલા કુદરતી પ્રકોપના કારણે માર્કેટિંગ યાર્ડમાં રાખવામાં આવેલી ખેતપેદાશોને મોટું નુકસાન પહોંચ્યું છે.
બેડી યાર્ડમાં મગફળીનું ભારે ધોવાણ
રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં પ્લેટફોર્મ પર સુરક્ષિત રાખવામાં આવેલી વેપારીઓની જણસી વરસાદી પાણીમાં વહી ગઈ હતી. મળતી માહિતી મુજબ, આશરે 150 ગુણી મગફળી પાણીના જોરદાર પ્રવાહમાં તણાઈ ગઈ હતી, જેના કારણે વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. જોકે યાર્ડ પ્રશાસન દ્વારા અગાઉથી જ ખેડૂતોને જણસી ન લાવવા અને ખુલ્લામાં માલ ન રાખવા સૂચના આપવામાં આવી હતી, છતાં વેપારીઓની મગફળી પલળી જતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
સૌરાષ્ટ્રમાં ત્રણ દિવસની આગાહી
હવામાન વિભાગે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં આગામી ત્રણ દિવસ સુધી ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં આવેલા આ પલટાથી ખેતરોમાં ઉભેલા પાકને પણ વ્યાપક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખાસ કરીને ઉનાળુ પાક તૈયાર થઈ રહ્યો છે ત્યારે જ કુદરત રૂઠી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વહીવટી તંત્ર દ્વારા તમામ માર્કેટિંગ યાર્ડને એલર્ટ પર રહેવા અને ખેડૂતોને સાવચેતી રાખવા કડક સૂચના આપવામાં આવી છે.
રાજકોટનાં જસદણમાં રહેણાંક શાળામાં 10 વર્ષની વિદ્યાર્થિનીનું મોત: પરિવારના બેદરકારીના આક્ષેપ, મૃતદેહ સ્વીકારવાનો કર્યો ઈનકાર






