Ahmedabad Theft Incident : અમદાવાદના હાથીજણ નજીક આવેલા વિવેકાનંદનગર વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી તસ્કરોનો આતંક જોવા મળી રહ્યો છે. છેલ્લા દસ દિવસની અંદર વિસ્તારમાં આશરે ત્રણ અલગ અલગ જગ્યાએ ચોરીના બનાવો સામે આવ્યા છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓમાં ભય અને અસુરક્ષાની લાગણી ફેલાઈ ગઈ છે.
મકાનના તાળા તોડી તસ્કરો ત્રાટક્યાં!
મળતી માહિતી મુજબ તસ્કરો દ્વારા અલગ અલગ બે ઇકો કારના સાઇલેન્સર ચોરીને લઈ જવામાં આવ્યા છે. આ ઉપરાંત ગઈકાલે રાત્રીના સમયે વિવેકાનંદનગરના સેક્ટર-4માં આવેલા એક બંધ મકાનના તાળા તોડી તસ્કરો ઘરમાં ઘુસી ગયા હતા. જો કે, ઘરમાંથી શું અને કેટલું ચોરાયું તેની તપાસ હાલ ચાલી રહી છે. ઘરના તાળા તૂટેલા જોવા મળતા મકાનના માલિકોએ તરત જ વિવેકાનંદનગર પોલીસને જાણ કરી હતી. જાણ મળતાની સાથે જ પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આસપાસના વિસ્તારોમાં તપાસ શરૂ કરી હતી. પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજની તપાસ તેમજ સ્થાનિક લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે.
તસ્કરોને ઝડપવા દિશામાં તપાસનો ધમધમાટ
વારંવાર બની રહેલી ચોરીની ઘટનાઓને લઈને સ્થાનિક રહેવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો દ્વારા પોલીસ પાસેથી વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવાની અને તસ્કરોને ઝડપી પાડવાની માંગ કરવામાં આવી રહી છે. હાલ પોલીસ દ્વારા તસ્કરોને ઝડપવા દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.





















