સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂબંધીના કાયદાનો કડક અમલ કરાવવા માટે જિલ્લા પોલીસ દ્વારા ઐતિહાસિક અને કડક પગલું લેવામાં આવ્યું છે. જિલ્લા પોલીસ વડા SP પ્રેમસુખ ડેલુએ સુરેન્દ્રનગર જિલ્લાના કુલ 633 બુટલેગરોની નામ-સરનામા સાથેની યાદી જાહેર કરી છે. ગુજરાતમાં પ્રથમ વખત કોઈ જિલ્લામાં બુટલેગરોની વિગતવાર યાદી જાહેર કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે, જેને લઈને બુટલેગરોમાં ભારે ફફડાટ ફેલાયો છે.
બુટલેગરોના મહિનામાં એક રેડ ફરજિયાત!
પ્રાપ્ત માહિતી મુજબ, સુરેન્દ્રનગર જિલ્લાના અંદાજે 10 જેટલા પોલીસ મથકો હેઠળ ચાલતી પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ડામવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લા પોલીસ વડાએ સ્પષ્ટ સૂચના આપી છે કે જે તે પોલીસ મથકના અધિકારીઓએ તેમના વિસ્તારના બુટલેગરોના ઘરે દર મહિને ઓછામાં ઓછી એક વખત રેડ પાડવી ફરજિયાત રહેશે. આ સાથે, આ બુટલેગરોની ગતિવિધિઓ પર સતત નજર રાખવાની પણ કડક સૂચનાઓ આપવામાં આવી છે.
દારૂબંધીના કાયદાનો અમલ વધુ મજબૂત બન
SP પ્રેમસુખ ડેલુએ ડિવિઝન મુજબ બુટલેગરોને કચેરીએ બોલાવીને તેમને કડક સૂચનાઓ આપી હતી અને દારૂબંધીના કાયદાનો ભંગ કરશો તો કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી આપી હતી. ઉપરાંત, દર મહિને આ બુટલેગરોની યાદી અપડેટ કરવાની રહેશે અને તેમની હિલચાલ પર સતત વોચ રાખવાની જવાબદારી ડીવાયએસપી અને પીઆઈ સ્તરના અધિકારીઓને પણ સોંપવામાં આવી છે. જિલ્લા પોલીસના આ અનોખા અને કડક પગલાંથી દારૂબંધીના કાયદાનો અમલ વધુ મજબૂત બનશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. એક તરફ પોલીસ તંત્રની આ કાર્યવાહીથી કાયદા ભંગ કરનારાઓમાં ભયનો માહોલ સર્જાયો છે, તો બીજી તરફ સામાન્ય જનતામાં પણ પોલીસ પ્રત્યે વિશ્વાસ વધ્યો છે.





















