Dahod Accident News : દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માતમાં તાલુકા પંચાયતની નરેગા શાખામાં ફરજ બજાવતા ટેકનિકલ આસિસ્ટન્ટનું કરુણ મોત નીપજ્યું છે. ઝાલોદથી સુખસર જતા માર્ગ પર આવેલા રાજપુર વળાંક પાસે આ ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઇક સવાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા હતા અને સારવાર મળે તે પહેલા જ તેમનું મોત થયું હતું.
બે વાહનો વચ્ચે ગંભીર ટક્કર
પ્રાપ્ત માહિતી અનુસાર મૃતકની ઓળખ 39 વર્ષીય મછાર જતીનભાઈ વેચાતભાઈ તરીકે થઈ છે. તેઓ ઝાલોદ તાલુકા પંચાયતની નરેગા શાખામાં ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ નિભાવતા હતા. ઘટનાના દિવસે તેઓ પોતાની બાઇક લઈને પાડલીયા ગામ (સુખસર તાલુકો) તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન રાજપુર વળાંક નજીક અચાનક અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે મછાર જતીનભાઈને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
સારવાર પહેલા જ મોત
અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. એમ્બ્યુલન્સ દ્વારા તેમને સારવાર માટે ઝાલોદ સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ હોસ્પિટલ પહોંચતા ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. પ્રાથમિક તપાસમાં સામસામે બે વાહનો વચ્ચે ટક્કર થઈ હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, જો કે અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. ઘટનાની માહિતી મળતા જ ઝાલોદ ડી.વાય.એસ.પી. ડી. આર. પટેલ અને પી.આઈ. રવિ ગામીત સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે ઘટનાસ્થળની તપાસ કરી છે તેમજ આસપાસના વિસ્તારોમાં પૂછપરછ શરૂ કરી છે. અકસ્માત કેવી રીતે થયો અને તેમાં અન્ય કોઈ વાહન સામેલ હતું કે નહીં તે બાબતે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ કરુણ અકસ્માતના કારણે મછાર જતીનભાઈના પરિવારજનોમાં ભારે શોક છવાઈ ગયો છે. સાથે સાથે ઝાલોદ તાલુકા પંચાયતના કર્મચારીઓ અને સહકર્મચારીઓમાં પણ શોક અને સંવેદનાની લાગણી ફેલાઈ છે.





















