Bhavnagar News : ભાવનગર શહેરના નારી નજીક આજે એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. નારી ગામ પાસે આવેલા અમદાવાદ હાઇવે પર એક કારનો અકસ્માત સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ કાર ચાલક વાહન પરનો કાબુ ગુમાવતા કાર સીધી રોડ પરથી ડિવાઇડર સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે કારને ભારે નુકસાન થયું હતું.
કારમાં સવાર ચાર લોકોને ગંભીર ઈજાઓ પહોંચી
આ અકસ્માતની ઘટનામાં કારમાં સવાર ચાર જેટલા લોકોને ઇજા પહોંચી હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાની માહિતી મળી રહી છે. અકસ્માત બાદ કારની તપાસ દરમિયાન તેમાંથી વિદેશી દારૂની સીલપેક બોટલો મળી આવતા મામલો વધુ ચર્ચાસ્પદ બન્યો છે.
પોલીસે તપાસ હાથધરી
ઘટનાની જાણ થતા જ પોલીસ તાત્કાલિક બનાવ સ્થળે પહોંચી હતી અને અકસ્માત અંગે તપાસ શરૂ કરી હતી. કારમાંથી મળેલા વિદેશી દારૂને લઈને પણ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અકસ્માતના પગલે હાઇવે પર થોડીવાર માટે ટ્રાફિકજામ જેવી સ્થિતિ સર્જાઈ હતી અને બનાવને લઈને લોકોના ટોળાં મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. હાલ પોલીસ સમગ્ર ઘટનાની વિગતવાર તપાસ કરી રહી છે.





















