ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા આજે રવિવારના દિવસે મહેસુલી તલાટીની પરીક્ષા યોજાઈ રહી છે. સમગ્ર રાજ્યમાં યોજાનારી આ મહત્વની ભરતી પરીક્ષા માટે કુલ 2384 ખાલી જગ્યાઓ માટે જાહેરાત કરવામાં આવી હતી, સામે લગભગ 3.99 લાખ ઉમેદવારોએ અરજી કરી છે અને કોલ લેટર ડાઉનલોડ કર્યા છે.
384 પરીક્ષા કેન્દ્રો પર આ પરીક્ષા લેવાશે
પરીક્ષાનું આયોજન રાજ્યના 23 જિલ્લાઓમાં કરવામાં આવ્યું છે, જ્યાં કુલ 1384 પરીક્ષા કેન્દ્રો પર આ પરીક્ષા લેવામાં આવશે. પરીક્ષાનું સમય બપોરે 2 વાગ્યાથી 5 વાગ્યા સુધી રહેશે.
પરીક્ષા કેન્દ્રો પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો
પરીક્ષા નિયમિત અને શાંતિપૂર્ણ રીતે યોજાઈ શકે તે માટે તમામ તૈયારી પુરી કરી દેવામાં આવી છે. પોલીસ દ્વારા દરેક પરીક્ષા કેન્દ્રો પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ઉમેદવારો માટે કેટલાક કડક નિયમો પણ અમલમાં મૂકવામાં આવ્યા છે. દરેક પરીક્ષા ખંડમાં મોબાઇલ ફોન, બ્લૂટૂથ ડિવાઇસ, સ્માર્ટ વોચ, કે અન્ય કોઇપણ પ્રકારના ઇલેક્ટ્રોનિક ઉપકરણો લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
નિયમોનું પાલન કરીને પરીક્ષા આપવાની રહેશે
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આ પરીક્ષાનું આયોજન સંપૂર્ણ રીતે વ્યવસ્થિત અને ન્યાયસંગત રીતે થાય તે માટે તમામ જરૂરી પગલાં લેવાઈ ચૂક્યા છે. આ ભરતીની નિષ્પક્ષતા જળવાઈ રહે અને યોગ્ય ઉમેદવારની પસંદગી થાય તે માટે મંડળ અને પોલીસ દ્રઢ રીતે કાર્યરત છે. તમામ ઉમેદવારોને સમયસર સ્થળ પર પહોંચી નિયમોનું પાલન કરીને પરીક્ષા આપવાની અપીલ કરવામાં આવી છે.