મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના બાળકો પ્રત્યેના પ્રેમ અને ઋજુતાનો વડોદરાના નગરજનોને ફરી દર્શન થયા હતા. ઇલેટ્સ અર્બન ઇનોવેશન એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમિટમાં સહભાગી થયેલા મુખ્યમંત્રીએ એક પ્રજ્ઞાચક્ષુ છાત્રાને સ્ટેજ ઉપર માઇક અપાવી હેતપૂર્ણ રીતે સાંભળી હતી. બન્યું એવું કે, સમિટમાં મુખ્યમંત્રીનું સ્વાગત કરવા માટે ઊર્મિ સ્કૂલના દિવ્યાંગ બાળકો દ્વારા કરવામાં આવ્યું હતું. એમાં આ શાળામાં ધોરણ 10માં અભ્યાસ કરતી ગૌરી શાર્દુલ પણ સામેલ હતી.
ગૌરીએ જાતે દોરેલા મુખ્યમંત્રીના સ્કેચની ફ્રેમ આપી
પેન્સીલથી દોરેલી એ તસવીર જોઇ મુખ્યમંત્રી પ્રભાવિત થયા હતા. કારણ કે, ગૌરી પ્રજ્ઞાચક્ષુ હોવા છતા આવું સરસ ચિત્રકામ કરી શકતી હતી. એટલે ભૂપેન્દ્ર પટેલે છાત્રની પૃચ્છા કરી. ત્યારે ગૌરીએ મુખ્યમંત્રીએ કહ્યું કે, સર મારે બે શબ્દો કહેવા છે ! મુખ્યમંત્રી તુરંત એ છાત્રાની લાગણીને સમજી ગયા અને તત્કાલિક એક માઇક સ્ટેજ ઉપર મંગાવીને બાળકીને પોતાની વાત કહેવા માટે આપ્યું.
ગૌરીએ પણ કોઇ પણ ડર રાખ્યા વિના કહ્યું કે, સુગમ્ય ભારત અભિયાનના કારણે દિવ્યાંગજનોને અનુકૂળ આવે એવી ઇમારતો, બસસ્ટેન્ડ્સ, રેલ્વે સ્ટેશનના નિર્માણ કરવામાં આવી રહ્યા છે. આવા બાળકો માટે બ્રેઇલ લિપીની સુવિધા સાથે શિક્ષણ સહિતની સુવિધાઓ સરકાર દ્વારા આપવામાં આવી રહી છે, જેથી દિવ્યાંગજનોની રાહ આસાન થઇ છે, તેમ કહી તેમણે પોતાની વાત સુંદર રીતે પ્રસ્તુત કરી હતી. આ ઘટનાથી મુખ્યમંત્રીની સાલસતા અને બાળકો પ્રત્યેના પ્રેમનો સૌને પરિચય થયો હતો. સાથે છાત્રાની વાત સાંભળીને સૌને આનંદ થયો હતો. તેમની સાથે ઊર્મી સ્કૂલના સરગમ ગુપ્તા અને રાધિકા નાયર પણ જોડાયા હતા.