બોટાદ જિલ્લામાં પોલીસ દ્વારા ચોરીના આરોપમાં એક 17 વર્ષના સગીરને ઢોરમાર મારવામાં આવ્યા હોવાનો ગંભીર કેસ સામે આવ્યો છે. આ મામલે પોલીસે પોતાનાં જ ચાર કર્મચારીઓ સહિત કુલ પાંચ શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરી છે.
ગેરકાયદે કસ્ટડીમાં રાખી ઢોરમાર માર્યોનો આરોપ
મળતી માહિતી મુજબ, તારીખ 19 ઓગસ્ટના રોજ બોટાદ શહેરમાં રહેતા એક સગીર બાળકને ચોરીના શંકાસ્પદ મામલે પુછપરછ માટે પોલીસ સ્ટેશન લવાયો હતો. જ્યાં પોલીસ કર્મચારીઓએ તેને ગેરકાયદે કસ્ટડીમાં રાખી ઢોરમાર માર્યો હોવાનો આરોપ છે. મારના કારણે તેને ગંભીર ઈજાઓ થઈ હતી અને સારવાર માટે તેને તાત્કાલિક અમદાવાદ ખસેડવામાં આવ્યો હતો.
(તસવીર: આ પોલીસ કર્મી વિરૂદ્ધ ફરિયાદ દાખલ થઈ છે)
પોલીસે ગુનો નોંધ્યો
સગીર અને તેના પરિવારજનોના આક્ષેપો પરથી બોટાદ પોલીસ દ્વારા આ મામલે કાર્યવાહી કરી ચાર પોલીસ કર્મીઓ કૌશિક જાની, અજય રાઠોડ, યોગેશ સોલંકી અને કુલદિપસિંહ વાઘેલા તેમજ વધુ એક અન્ય શખ્સ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. આવી ક્રૂરતા અને અન્યાય સામે પગલાં રૂપે પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ 120(1), કલમ 27, તેમજ જુવેનાઇલ જસ્ટીસ એક્ટની કલમ 75 અને ગેરકાયદે કસ્ટડીમાં રાખવાની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. સમગ્ર મામલે બોટાદના નાયબ પોલીસ અધિક્ષક મહર્ષિ રાવલ દ્વારા મીડિયા સમક્ષ માહિતી આપવામાં આવી હતી. ઘટના બાદ સમગ્ર જિલ્લામાં પોલીસ વ્યવસ્થાની નૈતિકતા અને જવાબદારી પર સવાલ ઊભા થયા છે.