બોટાદ સેશન્સ અને ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા રાણપુર તાલુકાના ગુંદા ગામમાં થયેલા ડબલ મર્ડર કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે. કોર્ટે પત્ની અને ભાભીની હત્યા કેસમાં આરોપી પતિ ભીખુ ડોડીયાને કસુરવાર ઠેરવીને આજીવન કેદ અને 1 લાખ રૂપિયાની દંડની સજા ફટકારી છે.
2021ના ડબલ મર્ડર કેસમાં ચુકાદો
આ બનાવ 31 ઓગસ્ટ 2021ના રોજ બન્યો હતો, જયારે જમીનના વિવાદને લઈને ભીખુએ પોતાના ઘરના બે મહિલા સભ્યો, પત્ની અને ભાભી પર છરીથી હુમલો કરી હત્યા કરી હતી. ઘટનાને લઈને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. કેસ દરમિયાન, કેટલાક નજરે જોનાર સાક્ષીઓ ફરી ગયા હતા, જેના કારણે સાંયોગિક પુરાવાઓના આધારે કોર્ટએ ભીખુને ગુનેગાર ગણાવ્યો અને કડક સજા સંભળાવી હતી.
સરકારી વકીલ આકરી દલીલો કરી હતી
સરકારી વકીલ કે એમ મકવાણાની મજબૂત દલીલોને આધારે કોર્ટે આ ચુકાદો આપ્યો હતો. આ ચુકાદો આબાદ પુરાવાઓ અને કાયદાકીય દલીલોના આધારે આપવામાં આવ્યો હતો. આ કેસ માનવતા પર લાગેલા કાળા ધબ્બા સમાન છે અને એવો સંદેશ આપે છે કે ગેરકાયદેસર હિંસાકાંડ માટે કોર્ટ દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યાં છે.