મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે વડોદરાની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં તેઓ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગોત્રીની ખાનગી હોટલમાં આયોજિત અર્બન ઇનોવેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમિટમાં હાજર રહ્યા. આ એક દિવસીય સમિટ વડોદરાના ભવિષ્યના વિકાસ માટેની રૂપરેખા તૈયાર કરવા માટે પ્રથમ વખત યોજાઈ હતી.
'હાલની કામગીરીથી સમસ્યાઓ હલ થશે'
આ સમિટમાં મુખ્યમંત્રી ઉપરાંત દેશના તથા રાજ્યના અગ્રણી નિષ્ણાતો, આંતરરાષ્ટ્રીય મહેમાનો, ધારાસભ્યો, મેયર, કોર્પોરેટરો અને શહેરી આયોજનના વિવિધ હિતધારકો એકમંચે આવીને વિચારો અને અનુભવ વહેંચ્યા હતાં. સમિટમાં શહેરી આયોજન, માળખાગત સુવિધાઓ, ટેકનોલોજી, પર્યાવરણ અને ટકાઉ વિકાસ જેવા વિષયો પર ચર્ચા કરવામાં આવી. મુખ્યમંત્રીએ પોતાના ભાષણમાં જણાવ્યું કે, “અહીં આવીએ એટલે વરસાદ યાદ આવે અને વિશ્વામિત્રી નદીનું નામ લોકોના મનમાં આવે. પરંતુ હવે એવું લાગે છે કે હાલની કામગીરીથી સમસ્યાઓ હલ થશે અને આવતી સિઝન સુધી બાકી કામ પણ પૂરૂં થઈ જશે.”
'140 કરોડ લોકો સરકારની તાકાત છે'
તેમણે કુદરત સાથે બાથ ભીડવાની વાતને લઈ કહ્યું કે, તેમની સામે બાથ ન ભીડાય પરંતુ સંરક્ષણ તરફ દ્રષ્ટિ રાખી કામ કરી શકાય. વધુમાં કહ્યુ કે, “કોરોના સમયમાં આપણે સમજ્યું કે ઓક્સિજનનો કેટલો મહત્વ છે. પૈસાદાર પણ ઓક્સિજન વગર લાચાર બન્યાં અને બધું અહીંજ મૂકી જવું પડ્યું” મુખ્યમંત્રીએ ગુજરાતના વિકાસ વિશે વાત કરતાં કહ્યું કે, “અમે હવે અમેરિકા જેવી મહાન શક્તિઓ સાથે બાથ ભીડી રહ્યાં છીએ. 140 કરોડ લોકો સરકારની તાકાત છે.” તેમણે જાહેર કર્યું કે, શહેરી વિકાસ માટે રાજ્ય સરકારે ₹30,000 કરોડનું બજેટ ફાળવ્યું છે.
'હજી પણ વધુ પ્રયત્નની જરૂર છે'
વિગતવાર રીતે શહેરી વિકાસના મુદ્દાઓ પર વાત કરતાં કહ્યું કે, 'માત્ર રસ્તા પહોળા કરવાથી વિકાસ નથી થતો. ભવિષ્યનો વિકાસ સ્થાનિક લોકોની અગ્રિમતા સાથે થવો જોઈએ. તેમણે ગાયકવાડી વારસાની પ્રશંસા કરી અને કહ્યું કે, "વિરાસત અને વિકાસ – બન્નેને પકડીને આગળ વધવું પડશે." તેમણે કોર્પોરેશનની કામગીરીમાં થયેલા સુધારાની પ્રશંસા કરતાં કહ્યું કે, પહેલા મેઈન હોલ બનાવવો હોય તો મહિનાઓ લાગતા, આજે કોર્પોરેશન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, સ્વિમિંગ પુલ, બગીચા અને જિમ પણ ચલાવે છે” સ્વચ્છતાની વાત કરતાં જણાવ્યું કે, “વડોદરા સ્વચ્છ છે?” એમ લોકો પાસેથી પૂછતાં, હાં પાડવામાં આવી, પરંતુ તેઓએ કહ્યું કે, “હા દિલથી નથી નીકળ્યું, એટલે હજી પણ વધુ પ્રયત્નની જરૂર છે.”