ગુજરાત કોંગ્રેસે ફરી એકવાર સરકાર પર નિશાન સોંધ્યું છે, સાથો સાથ ગંભીર આક્ષેપો પણ કર્યા છે. કોંગ્રેસે કહ્યું કે, મોંઘવારી આસમાને, પેટ્રોલ- ડીઝલના બેફામપણે વધતા ભાવથી રાજ્યના નાગરિકો આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. હિરેન બેન્કરે જણાવ્યું હતું કે, 'દસ વર્ષના સમયગાળામાં કેન્દ્રની ભાજપ સરકારે પેટ્રોલમાં સતત ભાવ વધારો-બેફામ કર વધારો ઝીંકીને 30 લાખ કરોડ રૂપિયા રકમ દેશની જનતા પાસેથી વસુલી લીધા. રિન્યુઅલ એનર્જીમાં અગ્રેસર ગુજરાતના મોટા મોટા દાવા વચ્ચે રાજ્યના નાગરિકો માટે પરિવહનનાં ઉતમ વિકલ્પ એવા ઇલેક્ટ્રિક વાહનો માટેની નીતિ
અમલવારીમાં ભાજપ સરકાર સદંતર નિષ્ફળ રહી છે'
તેમણે કહ્યું કે, 'ગુજરાતની ભાજપ સરકાર નીતિ અમલવારીમાં ચાર-ચાર વર્ષ થયા છતાં કેવી અમલવારી કરી છે અને કેટલી ઈચ્છા શક્તિ છે તેની પોલ કેન્દ્ર સરકારના એહવાલમાં જ ખુલ્લી પડી છે. દેશમાં અસરકારક ઇ-મોબિલિટી અંગેની નીતિ નિર્ધારણ અને કામગીરી માટે કેન્દ્ર સરકાર દ્વારા ઇન્ડિયા ઇલેક્ટ્રિક મોબિલિટી ઇન્ડેક્સ (IEMI) 2024 રજુ કરવામાં આવે છે. આ સૂચકાંક સરકારની નીતિઓ અને પહેલ, મજબૂત શાસન પ્રક્રિયાઓ, જાહેર ક્ષેત્રના રોકાણો, અને ખાનગી ક્ષેત્રના નવીનતા અને રીસર્ચ અને ડેવલોપમેન્ટ, ઈવી ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ અને ઈલેક્ટ્રીક વાહનો ક્ષેત્રમાં મજબૂત નવીનતા ટેકનોલોજીમાં વગેરેનો સમાવેશ થાય છે. રાજ્યમાં વર્ષ 2021માં ‘ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રીક વિહિકલ પોલીસી’ લાગુ કરવામાં આવી. ઇન્ડિયા ઇલેક્ટ્રિક મોબિલિટી ઇન્ડેક્સ સૂચકાંકમાં સમગ્ર દેશમાં ગુજરાત 16 ક્રમાંકે છે.
'ગુજરાતમાં માત્ર 942 ઈલેક્ટ્રીક બસો છે'
કોંગ્રેસે હિરેન બેન્કરે કહ્યું કે, 'ગુજરાતમાં માત્ર 942 ઈલેક્ટ્રીક બસો છે. દેશમાં એક વર્ષમાં 1,75,27,265 જેટલા ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર્સ રજિસ્ટર્ડ થાય છે તેવામાં ભાજપ સરકારના રાજમાં 2015-2021 સુધીના છ વર્ષમાં ગુજરાતમાં માત્ર 7,923 વિધાથીઓને ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર્સ સબસિડી પૂરી પાડવામાં આવી છે. 11,67,059 જેટલી ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલર રિક્ષાઓ રજીસ્ટર્ડ થાય કે ત્યારે વર્ષ 2018 થી 2021માં માત્ર 87 ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલર રિક્ષાઓની સબસિડી પૂરી પાડવામાં આવી છે. ગુજરાતમાં માત્ર 942 ઈલેક્ટ્રીક બસો છે. ઈલેક્ટ્રીક વિહિકલની સબસીડીના નામે તંત્રમાં થતા ભ્રષ્ટાચારને દુર કરવામાં આવે. ઈલેક્ટ્રીક ચાર્જીંગ પોઈન્ટ, રીસર્ચ ડેવલોપમેન્ટ સહિતની માળખાકીય સુવિધાઓ સાથે ,સરકાર હકીકતલક્ષી નીતિની અમલવારી કરે તેવી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે'