બારડોલીથી શરૂ થયેલી સરદાર સન્માન યાત્રા ત્રીજા દિવસે પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં પહોંચી અને ત્યાંના તમામ સમાજે આ યાત્રાનું ઉર્જાસભર ભવ્ય સ્વાગત કર્યું હતું. યાત્રાના આગમન સાથે ગોધરા મોતી બાગ ખાતે એક વિશેષ સન્માન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
18 સ્થળોએ આ યાત્રાનું સન્માન કરવામાં આવ્યું
આ સન્માન સભામાં ગોધરાના વિવિધ સમાજોએ સરદાર પટેલની યાત્રાનું માનભેર સન્માન કર્યું હતું. ગોધરામાં કુલ 18 સ્થળોએ આ યાત્રાનું સન્માન કરવામાં આવ્યું. આ પ્રસંગે રાજવી પરિવારો અને નિવૃત્ત સૈનિકોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.
“સરદાર પટેલ ના હોત તો ભારત ન હોત
દેવગઢ બારીયા રાજવી પરિવાર તરફથી ઉર્વશીદેવી મહારાઉલ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે યાત્રાના આયોજકોનો આભાર માન્યો અને રજવાડાના તરફથી ખૂબ સન્માન અને સ્વાગત મળવા પર દિલથી આભાર વ્યક્ત કર્યો. ઉર્વશીદેવી મહારાઉલે જણાવ્યું કે, “સરદાર પટેલ ના હોત તો ભારત ન હોત” અને આ વાતથી તેઓ ભાવુક થઇ ગયા હતા.
''મ્યુઝિયમ બનાવવું ખૂબ જ જરૂરી છે''
તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પણ પ્રશંસા કરી અને જણાવ્યું કે, “સરદાર પટેલની પ્રતિમા ઉપરાંત તમામ રાજવાડાના સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મ્યુઝિયમ બનાવવું ખૂબ જ જરૂરી છે, જેથી આપણા ઐતિહાસિક વારસાનું સાચું સંરક્ષણ થઈ શકે.”