અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વિરાટનગર વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, પાટીદાર સમાજના અગ્રણીઓમાંના એક અને જાણીતા બિલ્ડર હિંમત રૂડાણીની તીક્ષ્ણ હથિયારોથી હત્યા થઈ છે. મૃતદેહ વિરાટનગર બ્રિજની નીચે એક મર્સિડીઝ કારમાંથી મળી આવ્યો છે.
ગાડીમાંથી દુર્ગંધ આવતાં પોલીસને જાણ કરાઈ હતી
મળતી માહિતી મુજબ, મર્સિડીઝ કારમાંથી શંકાસ્પદ દુર્ગંધ આવતાં આસપાસના સ્થાનિક લોકોએ તરત પોલીસને જાણ કરી હતી. જાણ મળતાની સાથે ઓઢવ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે ત્યાં તપાસ હાથ ધરી અને કારમાંથી એક પુરુષનું લોહીલુહાણ મૃતદેહ મળી આવ્યું, જેની ઓળખ હિંમત રૂડાણી તરીકે થઈ હતી.
શરીર પરથી તીક્ષ્ણ ઘાના નિશાન મળી આવ્યા
મૃતદેહ પર તીક્ષ્ણ હથિયારોથી ઘા મારેલા અનેક નિશાન મળી આવ્યા છે, જેના કારણે ઘટના નિર્મમ હત્યાનો આરોપ લાગી રહ્યો છે. મૃતક હિંમતભાઈ રિયલ એસ્ટેટ ક્ષેત્રે સક્રિય હતા અને પાટીદાર સમાજમાં તેમનો ઉંચો દરજ્જો હતો.
પોલીસે તપાસ હાથધરી
પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડી દીધો છે અને ગુનાની ગંભીરતા જોઈ તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તારણ મુજબ આ હત્યા પૈસાની લેવડદેવડ સાથે હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ પોલીસ હિંમતભાઈના વ્યવસાયિક અને વ્યક્તિગત સંપર્કોને ધ્યાનમાં રાખીને તપાસ કરી રહી છે અને શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ પણ શરૂ કરી છે. આ બનાવને લઈ શહેરમાં ચકચાર મચી ગઈ છે અને પાટીદાર સમાજમાં શોકની લાગણી ફેલાઈ છે. અત્યારસુધી આરોપીની ધરપકડ થઈ નથી, પરંતુ પોલીસે કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.