અંકલેશ્વરનાં પાનોલી GIDCમાં ભીષણ આગનો બનાવ બન્યો હતો. સંઘવી ઓર્ગેનિક્સ કંપનીના પ્લાન્ટમાં અચાનક જ આગ ભભૂકી ઊઠતા એકાએક અફરાતફરી મચી હતી. જ્વલનશીલ પદાર્થોને કારણે આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી ગઇ હતી, જેના પગલે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી આકાશમાં દેખાવા લાગ્યા હતા.
સંઘવી ઓર્ગેનિક્સમાં ભીષણ આગ
સમગ્ર ઘટનાના પગલે અંકલેશ્વર, ઝઘડિયા તેમજ આસપાસની ફાયર બ્રિગેડની 6થી વધુ ફાયર ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી તેમજ આગને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા છે. ઉલ્લેખનીય છે કે, આગ વિકરાળ સ્વપૂર ધારણ કર્યું હોવાથી કાબુમાં લેવા માટે ફાયર વિભાગને પણ સમય લાગી શકે છે.
સ્થાનિક લોકોમાં ભય
ભીષણ આગના પગલે સ્થાનિક લોકોમાં ભારે ભયનો માહોલ ફેલાયો હતો. ગ્રામજનોમાં ગભરાટ વ્યાપી ગયો હતો. રાહતની વાત છે કે, હાલ સદભાગ્યે કોઈ જાનહાનિ થયાની માહિતી સામે આવી નથી, પરંતુ આગના કારણે કંપનીને ભારે આર્થિક નુકસાન થવાની શક્યતા છે.
પોલીસ ટીમ ઘટનાસ્થળે
પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને આગના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક અંદાજ મુજબ આગ કેમિકલ રિએકશન કે શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાની શક્યતા છે. હાલ ઘટનાસ્થળે ભારે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે