રાજકોટ શહેરમાં દિવાળીના તહેવાર દરમિયાન એક ચોંકાવનારો અને જોખમી બનાવ સામે આવ્યો છે. લક્ષ્મીનગર અન્ડરબ્રિજ પરથી પસાર થતી એક કારમાં બેઠેલા કેટલાક યુવાનોએ બેફામ હરકત કરી હતી. ચાલુ કારમાં સૂતળી બોમ્બ સળગાવીને ફોડતા તેમણે ન માત્ર પોતાના પરંતુ જાહેર જનતાના જીવને પણ જોખમમાં મૂક્યા હતા.
નબીરાઓએ ચાલુ કારે ફટાકડા ફોડ્યાં!
વીડિયોમાં જોઈ શકાય છે કે, કાર ડ્રાઇવરની બાજુમાં બેઠેલો યુવક હાથમાં સૂતળી બોમ્બ સળગાવી એક પછી એક ફટાકડા કારના દરવાજાની બહાર ફેંકતો હતો. આ દરમિયાન કાર રોડ પર ચાલતી હતી અને નજીકથી પસાર થતા લોકો માટે જીવલેણ પરિસ્થિતિ ઊભી થતી પણ જોવા મળી હતી. આ આખી ઘટના દરમિયાન નબીરાઓએ રીલ બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ પણ કરી દીધી હતી.
પોલીસે તપાસ હાથધરી
દિવાળીના તહેવાર દરમિયાન જાહેર રોડ પર ફટાકડા ન ફોડવા માટે પ્રશાસન દ્વારા જાહેરનામું જાહેર કરવામાં આવ્યું હતું. તેમ છતાં આ યુવાનો એ કાયદાનો ભંગ કરીને જાહેર સુરક્ષા સાથે ચેડા કર્યા હતા. આ બનાવની જાણ થતાં જ માલવિયાનગર પોલીસ તાત્કાલિક હરકતમાં આવી અને ઘટનાની તપાસ હાથ ધરી છે. પોલીસે રીલના આધારે કાર અને સંડોવાયેલા યુવાનોની ઓળખ શરૂ કરી છે. આ ઘટનાએ શહેરમાં ચર્ચા જગાવી છે અને લોકોને અપીલ કરવામાં આવી છે કે તહેવારની મજા અન્ય લોકોની સુરક્ષાને જોખમમાં મુકી ન માણવી જોઈએ.





















