વડોદરા શહેરમાં યોજાયેલા રોજગાર મેળા દરમિયાન કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાની નારાજગી સામે આવી હતી. સ્થાનિક પ્રતિનિધિઓ કાર્યક્રમમાં મોડા પહોંચતા મંત્રીએ જાહેરમાં અસંતોષ વ્યક્ત કર્યો હતો. માહિતી મુજબ વડોદરાના સાંસદ હેમાંગ જોશી, મેયર પિન્કીબેન સોની અને ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ કાર્યક્રમમાં સમયસર હાજર રહ્યા ન હતા. બીજી તરફ કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અડધો કલાક વહેલા કાર્યક્રમ સ્થળે પહોંચી ગયા હતા.
મંત્રીએ કટાક્ષભરી ભાષામાં શું કહ્યું?
મંત્રીએ સ્ટેજ પરથી જ હળવી પણ કટાક્ષભરી ભાષામાં કહ્યું કે, “હું વડોદરાનો મહેમાન છું, જમાઈ છુ, તમે કેમ મોડા આવ્યા? મંત્રી તરીકે મને રિસીવ કરવા કોઈ આવ્યું જ કેમ નહીં?” આ શબ્દો સાંભળીને સ્ટેજ પર થોડો સંકોચભર્યો માહોલ છવાઈ ગયો હતો. ત્યારબાદ સાંસદ હેમાંગ જોશી અને મેયર પિન્કીબેન સોનીએ મંત્રી પાસે માફી માંગી હતી.
''...સમયસર હાજરી આપવી જોઈએ''
સિંધિયાએ જાહેરમાં જ બંનેને સ્ટેજ પર ખખડાવતાં કહ્યું કે, ''જાહેર જીવનમાં સમયનું પાલન ખૂબ જ મહત્વનું છે અને આવા કાર્યક્રમોમાં સૌએ સમયસર હાજરી આપવી જોઈએ''. આ ઘટના બાદ મંત્રીની નારાજગીની ચર્ચા વડોદરા રાજકીય વર્તુળોમાં જોરશોરથી ચાલી રહી છે. સોશિયલ મીડિયામાં પણ સિંધિયાના આ નિવેદનની ક્લિપ વાયરલ થઈ રહી છે અને લોકો વિવિધ પ્રતિભાવો આપી રહ્યા છે.




















