મહેસાણા જિલ્લામાં તહેવારની ખુશી વચ્ચે શોકનો માહોલ છવાયો છે. છેલ્લા બે દિવસ દરમિયાન જિલ્લામાં બનેલી અલગ-અલગ માર્ગ અકસ્માતોની ચાર ઘટનાઓમાં કુલ પાંચ લોકોનાં કરૂણ મોત નિપજ્યાં છે. આ તમામ અકસ્માતો હિટ એન્ડ રન અને વાહન ટક્કરના કારણે બન્યા હોવાનું સામે આવ્યું છે.
ટ્રેલરે બાઇકને ટક્કર મારી
પ્રથમ ઘટના રામપુરા પાસે બની હતી, જ્યાં ટ્રેલરે બાઇકને ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં રામાપીરના દર્શન કરવા જઈ રહેલા દંપતીમાંથી પત્નીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
ખેરાલુ-અંબાજી હાઇવે પર ગંભીર અકસ્માત
બીજી ઘટના ખેરાલુ-અંબાજી હાઇવે પર બની હતી. અહીં કારની ટક્કરથી બાઇક સવાર યુવકનું મોત થયું હતું. તપાસમાં જાણવા મળ્યું કે યુવક પોતાની ભાણીયા માટે મીઠાઈ લઈને ઘરે પરત આવી રહ્યો હતો, ત્યારે દુર્ઘટના બની હતી.
વૃદ્ધાનું ઘટનાસ્થળે જ મોત
ત્રીજી ઘટના વિજાપુર નજીક બની હતી, જ્યાં મજૂરી કામે જતી બે વૃદ્ધ મહિલાઓને અજાણ્યા વાહને ટક્કર મારી ફરાર થઈ ગયાં હતાં. બંને વૃદ્ધાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
અજાણ્યા વાહનની ટક્કરથી યુવકનું મોત
ચોથી ઘટના રણસીપુર-કોટ વચ્ચે બની હતી, જ્યાં અજાણ્યા વાહનની ટક્કરથી એક યુવકનું મોત થયું હતું. આ ચારેય અકસ્માતોની અલગ-અલગ પોલીસ ફરિયાદો નોંધાઈ છે અને પોલીસે અકસ્માત સર્જનાર વાહનચાલકોની શોધખોળ શરૂ કરી છે. પોલીસ દ્વારા હિટ એન્ડ રન કિસ્સામાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.




















