logo-img
Gujarat Weather Alert October 26 Heavy To Light Rain Forecast

ગુજરાતમાં કમોસમી વરસાદી માહોલ યથાવાત : અમરેલી-ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી, 2 નવેમ્બર સુધી માવઠાની શક્યતા

ગુજરાતમાં કમોસમી વરસાદી માહોલ યથાવાત
Published by: Offbeat Team
| Last Updated: Oct 26, 2025, 02:47 AM IST

હવામાન વિભાગે રવિવારે બહાર પાડેલી તાત્કાલિક આગાહી (નાઉકાસ્ટ) મુજબ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી સ્થિતિ યથાવત રહેવાની શક્યતા છે. અરબી સમુદ્રમાં વિકસેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે આગામી દિવસોમાં વરસાદનું પ્રમાણ ઘટતું–વધતું રહેશે.

ભારે વરસાદની શક્યતા ધરાવતા વિસ્તારો

હવામાન વિભાગના તાજેતરના આંકડા મુજબ અમરેલી, ગીર સોમનાથ અને દીવ વિસ્તારમાં આગામી કલાકોમાં ગાજવીજ અને તેજ પવન સાથે ભારે વરસાદ પડી શકે છે. સ્થાનિક તંત્રોને ચેતવણી આપવામાં આવી છે કે આ વિસ્તારોમાં પાણી ભરાવાની અને પવનની અસર માટે તૈયાર રહેવું જરૂરી છે.

મધ્યમ વરસાદના વિસ્તારો

જૂનાગઢ, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી જેવા જિલ્લાઓમાં મધ્યમ દરજ્જાનો વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના મોટા ભાગમાં હલકો થી મધ્યમ વરસાદ આજે રાતથી ચાલુ રહી શકે છે.

હળવા વરસાદના વિસ્તારો

પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ અને ખેડા જિલ્લામાં છાંટા પડી શકે છે. આ વિસ્તારોમાં હવામાન વાદળછાયું અને ભેજવાળું રહેવાની ધારણા છે.


માવઠાનો પ્રભાવ 25 થી 30 ઓક્ટોબર દરમિયાન વધુ રહેશે

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના અનુમાન અનુસાર, હાલનું સિસ્ટમ અરબી સમુદ્રમાં સક્રિય છે અને ઉત્તર-પશ્ચિમ દિશામાં ધીમે ધીમે ખસતી હોવાથી ગુજરાતમાં કમોસમી વરસાદ 2 નવેમ્બર સુધી ચાલવાની સંભાવના છે. તેમના જણાવ્યા મુજબ, 25 થી 30 ઓક્ટોબર દરમિયાન વરસાદની તીવ્રતા સર્વોચ્ચ સ્તરે રહેશે જ્યારે 31 ઓક્ટોબરથી 2 નવેમ્બર દરમિયાન વરસાદ ઘટશે.

આ સિસ્ટમને કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓ વધુ અસરગ્રસ્ત બનશે. સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં 1 થી 2 ઇંચ અથવા વધુ વરસાદ થવાની શક્યતા છે, જ્યારે દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં 0.5 થી 1.5 ઇંચ વરસાદ નોંધાઈ શકે છે.


ખેડૂતોને તકેદારી રાખવા અપીલ

હવામાન વિભાગે ખેડૂતોને સલાહ આપી છે કે તૈયાર પાકને તરત જ સલામત સ્થળે ખસેડી દેવા અને ભેજથી બચાવા જરૂરી પગલાં લે. ખાસ કરીને મેદાનોમાં ખુલ્લો પાક હોય તે વિસ્તારના ખેડૂતોએ વાવાઝોડા જેવા પવનને ધ્યાનમાં રાખી પૂર્વ તૈયારી રાખવી.


દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનો મુખ્ય પ્રભાવ

દક્ષિણ ગુજરાતના ભરૂચ, અંકલેશ્વર, રાજપીપળા, સુરત, વલસાડ, વાપી, બારડોલી, બિલીમોરા, ડાંગ અને નવસારી વિસ્તારોમાં હળવા થી મધ્યમ વરસાદની શક્યતા છે. એકાદ સ્થળે વરસાદ 1.5 ઇંચથી વધુ પણ થઈ શકે છે, જોકે આ વિસ્તારના આશરે 50 થી 60 ટકા ભાગમાં જ વરસાદ થશે.

સૌરાષ્ટ્ર પ્રદેશમાં પણ બધા જ જિલ્લાઓમાં છાંટા પડવાની શક્યતા છે, પરંતુ સૌથી વધુ અસર ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢમાં જોવા મળશે, જ્યાં વરસાદનું પ્રમાણ વધુ રહેવાની ધારણા છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now