વડોદરાના સમા વિસ્તારમાં આવેલી મનહર પાર્ક સોસાયટીમાં આજે એક ભયંકર દુર્ઘટના બની છે. મળતી માહિતી મુજબ એક મકાનમાં ગેસ લીકેજના કારણે અચાનક જોરદાર બ્લાસ્ટ થયો હતો. આ વિસ્ફોટ એટલો વિકરાળ હતો કે આખું મકાન ધ્રુજી ઉઠ્યું અને આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો.
દાઝી જતા વિશ્વજીત ગુપ્તાનું મોત
બ્લાસ્ટની અસરથી ઘરનો મોટો ભાગ નુકસાનગ્રસ્ત બન્યો અને તેમાં રહેતા પરિવારના સભ્યો ગંભીર રીતે દાઝી ગયા. પરિવારને બચાવવા જતા 22 વર્ષીય વિશ્વજીત ગુપ્તા ગંભીર રીતે દાઝ્યા હતા. તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન દુર્ભાગ્યે તેમનું મોત થયું.
પરિવારના ત્રણ સભ્યો ગંભીર દાઝ્યા
આ દુર્ઘટનામાં વિશ્વજીત ગુપ્તાના પરિવારના અન્ય ત્રણ સભ્યો, રાજકિશોર ગુપ્તા, રીટા ગુપ્તા અને પ્રિયંકા ગુપ્તા પણ દાઝી ગયા છે. ત્રણેય ઇજાગ્રસ્તોને તાત્કાલિક રીતે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની સારવાર ચાલુ છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.
પોલીસે તપાસ હાથધરી
ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. આગ પર કાબૂ મેળવ્યા બાદ પોલીસે સ્થળ પરથી પુરાવા એકત્ર કરીને તપાસ શરૂ કરી છે. ગેસ લીકેજ અને બ્લાસ્ટનું ચોક્કસ કારણ જાણવા માટે ફોરેન્સિક ટીમને પણ તપાસમાં જોડવામાં આવી છે.




















