ગુજરાત રાજ્યમાં આજે નવા મંત્રીઓએ પોતાના કાર્યભારનો ચાર્જ સંભાળતા રાજકીય ક્ષેત્રે નવી ઉર્જા અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ડૉ. મનીષા વકીલએ આજે લાભ પાંચમના પાવન દિવસે મંત્રી તરીકે પોતાના કાર્યભારનો ચાર્જ સંભાળ્યો. વિધિ દરમિયાન ડૉ. વકીલએ શુભ મુહૂર્તમાં દીકરીની પૂજા કરીને ચાર્જ સંભાળ્યો હતો.
ડૉ. મનીષા વકીલે મંત્રી તરીકે ચાર્જ સંભાળ્યો
ડૉ. મનીષા વકીલને મહિલા અને બાળ કલ્યાણ (સ્વતંત્ર હવાલો) તેમજ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે. તેમની ચાર્જ લેવાની પ્રસંગે મંત્રીાલય બહાર “હર ઘર સ્વદેશી – ઘર ઘર સ્વદેશી” થીમ પર રંગોળી બનાવી સ્વદેશી અને સંસ્કારના સંદેશા સાથે ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં અનેક અધિકારીઓ, પાર્ટી કાર્યકરો અને શુભેચ્છકો હાજર રહ્યા હતા.
પ્રવિણ માળીએ મંત્રી તરીકે ચાર્જ સંભાળ્યો
બીજી તરફ ડીસાના ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના મંત્રી પ્રવિણ માળીએ પણ આજે પોતાના વિભાગનો ચાર્જ સંભાળ્યો. તેમને વન અને પર્યાવરણ તથા વાહન વ્યવહાર વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે. ચાર્જ લેતા પ્રસંગે પ્રવિણ માળીએ જણાવ્યું કે, “આજે રાજ્ય કક્ષાના મંત્રી તરીકે ચાર્જ લેવાનું સૌભાગ્ય મળ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ટીમમાં મંત્રી તરીકે જોડાવાનો અવસર મળ્યો છે. 2047ના વિકસિત ભારતના સંકલ્પ સાથે આગળ વધવાનું છે.”
''કાર્બન ન્યુટ્રલની દિશામાં કામ કરવાનો છે''
મંત્રી પ્રવિણ માળીએ વધુમાં જણાવ્યું કે તેમણે વિભાગનો સંપૂર્ણ અભ્યાસ કર્યો છે, વાઇલ્ડલાઇફ એક્ટનો અભ્યાસ કરીને પર્યાવરણ સુરક્ષાની દિશામાં કામ શરૂ કરાશે. તેમણે જણાવ્યું કે, રાજ્યને કાર્બન ન્યુટ્રલ બનાવવાની દિશામાં પણ મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવશે અને ટ્રાન્સપોર્ટ ક્ષેત્રે અનેક નવી યોજનાઓ અમલમાં મૂકવામાં આવશે. આ રીતે આજે લાભ પાંચમના શુભ પ્રસંગે નવા મંત્રીઓએ ચાર્જ સંભાળતા રાજ્ય સરકારની ટીમમાં નવી ઉર્જા અને સંકલ્પની લહેર જોવા મળી રહી છે.




















