Jayesh Radadiya statement : મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના વડાગામ ખાતે શ્રી પાટીદાર સેવા સમાજ મહીસાગર દ્વારા ભવ્ય સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી ઉજવણીના અવસર પર યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમનું આયોજન 42 ગામ લેઉઆ પાટીદાર સમાજ ખાનપુર દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સમાજના સભ્યો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
ધારાસભ્ય જયેશ રાદડિયાની અધ્યક્ષતામાં કાર્યક્રમ
કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે જેતપુર જામકંડોણા ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા ઉપસ્થિત રહ્યા હતા. મહીસાગર જિલ્લા પાટીદાર સમાજ દ્વારા તેમની ભવ્ય આગવાણી અને સન્માનવિધિ કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાંથી પણ પાટીદાર સમાજના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેના કારણે કાર્યક્રમને રાજ્યસીમા પારનો વ્યાપક પ્રતિસાદ મળ્યો હતો.
''પાર્ટી જે નિર્ણય લે તે શિરોમાન્ય હોય છે”
કાર્યક્રમ દરમિયાન સમાજના એકતાના સંકલ્પ સાથે સામાજિક સશક્તિકરણના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. આ અવસર પર જયેશભાઈ રાદડિયાએ તાજેતરની રાજકીય ચર્ચામાં રહેલા ખાતા ફાળવણી મુદ્દે પણ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, “ખાતા ફાળવણી એ નસીબની વાત છે. મોદી સાહેબ મુખ્યમંત્રી હતા ત્યારે મેં પણ દસ વર્ષ મંત્રી તરીકે જવાબદારી નિભાવી છે. વારા આવતા રહે છે અને પાર્ટી જે નિર્ણય લે તે શિરોમાન્ય હોય છે.”




















