અમદાવાદના બોપલમાં ઝેફાયર ફાર્મ હાઉસ પર ઝડપાયેલી હાઇપ્રોફાઇલ રેવ પાર્ટી મામલે કોંગ્રેસ પ્રવક્તા ડૉ. મનીષ દોશી રાજ્ય સરકાર પર આકરા શબ્દોમાં પ્રહાર કર્યો છે. તેમણે જણાવ્યું કે, “ગુજરાતમાં એક તરફ દિવાળીના પાવન પર્વ ચાલી રહ્યા છે, જ્યાં આપણે દેશ અને રાજ્યના ભલાઈના સંકલ્પ લઈએ છીએ, અને બીજી તરફ ગાંધી અને સરદારના ગુજરાતમાં બેફામ નશાનું વેચાણ થાય છે.”
''...પોલીસ માત્ર ફરિયાદી બની રહી છે''
કોંગ્રેસના ડૉ. દોશીએ કહ્યું કે, “રાજ્યમાં ફાર્મ હાઉસ અને રિસોર્ટોમાં ચાલતી આ રેવ પાર્ટીઓમાં પોલીસ માત્ર ફરિયાદી બની રહી છે, જ્યારે અસલમાં જે મોટા લોકો સામેલ છે તેઓ સામે કોઈ કાર્યવાહી થતી નથી.” વધુમાં કહ્યું કે, “થોડા સમય અગાઉ અમદાવાદ ગ્રામ્યમાં રેડ ડાયરી પકડાઈ હતી, જેમાં પણ અનેક મોટા લોકોના નામો સામે આવ્યા હતા, પરંતુ હજુ સુધી કોઈ કાયદેસર પગલાં લેવાયા નથી.”
''...દારૂના ટેન્કર ઠલવાય છે''
તેમણે રાજ્યની હાલત પર ટીકા કરતાં કહ્યું કે, “શ્વેતક્રાંતિના બદલે ગુજરાતમાં હવે દારૂના ટેન્કર ઠલવાય છે. યુવાનો રોજગાર માંગે તો દંડા પડે, ખેડૂતો વળતર માંગે તો દંડા પડે, અને વિપક્ષ માંગ કરે તો પોલીસ કેસ કરવામાં આવે, આ છે આજના ગુજરાતની સ્થિતિ”




















