બોટાદ જિલ્લામાં કોળી સમાજ દ્વારા દાગીના પ્રથા બંધ કરવાનો લેવામાં આવેલા નિર્ણયને સમાજના વિવિધ વર્ગોમાં સારૂ સમર્થન મળી રહ્યો છે. તાજેતરમાં બોટાદ શહેરના તુલસીનગર વિસ્તારમાં રહેતા કોર્પોરેટર રવજીભાઈ વાટુકિયાએ પોતાની દીકરીના લગ્ન પ્રસંગે એક અનોખો અને પ્રેરણાદાયક નિર્ણય લીધો છે. તેમણે પોતાના વેવાઈને સ્પષ્ટ કહી દીધું કે લગ્નમાં દાગીના ન લાવવા, જેથી સમાજમાં ચાલી રહેલી આર્થિક દેખાવની દાગીના પ્રથા પર અંત લાવવામાં મદદ મળે.
દાગીના પ્રથાનો અંત આવશે!
રવજીભાઈ વાટુકિયાના આ નિર્ણયને બોટાદના કોળી સમાજના આગેવાનો અને સભ્યોએ હૃદયપૂર્વક બિરદાવ્યો છે. સમાજના આગેવાનોનું માનવું છે કે આ એક સાર્થક શરૂઆત છે, જેનાથી સામાન્ય પરિવારો પર પડતો અનાવશ્યક ખર્ચ અને દબાણ ઓછું થશે. દાગીના પ્રથા જેવી અનાવશ્યક પરંપરાઓને છોડીને સમાજ વધુ સમાનતા અને સહકારના માર્ગે આગળ વધી શકે છે.
''આર્થિક દેખાવ નહીં પરંતુ પ્રેમ અને સંસ્કાર મહત્વના છે”
રવજીભાઈ વાટુકિયાએ સમાજના તમામ ભાઈઓને પણ અપીલ કરી છે કે તેઓ પોતાના પરિવારમાંથી પણ આવી જ દાગીના પ્રથા બંધ કરવાની શરૂઆત કરે. તેમણે કહ્યું કે, “લગ્ન એ બે પરિવારોનું પવિત્ર બંધન છે, તેમાં આર્થિક દેખાવ નહીં પરંતુ પ્રેમ અને સંસ્કાર મહત્વના છે”
આ નિર્ણયને કારણે કોળી સમાજમાં એક નવી વિચારધારા જન્મી છે. જે સમાનતા, સાદગી અને આર્થિક સદબુદ્ધિના મૂલ્યોને પ્રોત્સાહન આપે છે. બોટાદના આ ઉદાહરણથી હવે અન્ય વિસ્તારોના કોળી સમાજમાં પણ દાગીના પ્રથા સામે જાગૃતિ ફેલાવાની શક્યતા ઊભી થઈ છે.




















