સુરત શહેરમાં દિવાળીના તહેવાર પૂર્વે બનેલી હાઈ-પ્રોફાઇલ સોનાની ઠગાઈનો ભેદ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી લીધો છે. આ કેસમાં આરોપીઓએ ડુપ્લિકેટ સોનાની બિસ્કિટ આપીને વેપારીને 36 લાખ રૂપિયાનું અસલી સોનું પડાવી લીધું હતું.
બે આરોપી ઝડપાયા
આ ગુનો સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બન્યો હતો. વેપારી સાથે થયેલી આ છેતરપિંડી બાદ પોલીસની વિવિધ ટીમો તપાસમાં લાગી ગઈ હતી. સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે બે મુખ્ય આરોપીઓને ઝડપી લીધા છે.
સુરત અને મુંબઈથી આરોપી ઝડપાયા
પકડાયેલા આરોપીઓના નામ હરેશ ઉર્ફે હરી પોપટભાઈ મોરડીયા અને નિકુંજ ખીમજીભાઈ ધકાણ હોવાનું પોલીસે જણાવ્યું છે. હરેશ મોરડીયા લસકાણા વિસ્તારનો રહીશ છે અને વ્યવસાયે રત્નકલાકાર છે. બંને આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચે સુરત અને મુંબઈમાંથી ઝડપી લીધા હતા. તપાસમાં સામે આવ્યું છે કે, બંને આરોપીઓ ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રના અલગ-અલગ સોના વેપારીઓનો સંપર્ક કરતા હતા. તેઓ પોતાને મોટા વેપારી તરીકે રજૂ કરીને દાગીનાના બદલામાં ડુપ્લિકેટ સોનાની લગડી અથવા બિસ્કિટ આપતા હતા.
આરોપીના ગુનાહીત ઈતિહાસ!
હરેશ મોરડીયા અગાઉ અંકલેશ્વર અને વરાછા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનામાં પકડાઈ ચૂક્યો છે, જ્યારે નિકુંજ ધકાણ મુંબઈના બ્રાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ પોલીસ સ્ટેશનમાં 30 લાખના સોનાની ઠગાઈના કેસમાં વોન્ટેડ હતો. નિકુંજે તપાસ દરમિયાન રાજસ્થાનના જોધપુર ખાતે પણ ઠગાઈનો એક ગુનો આચર્યો હોવાની કબૂલાત કરી છે.




















