ગુજરાતના લોકપ્રિય યુટ્યુબર અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ખજૂરભાઈ એટલે કે, નીતિન જાની હવે રાજકારણમાં પ્રવેશ કરવાની સંભાવના વ્યક્ત કરી છે. રાજકોટમાં યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન નીતિન જાનીએ ખુલાસો કર્યો કે તેઓ વર્ષ 2027ની વિધાનસભાની ચૂંટણીમાં મેદાનમાં ઉતરી શકે છે.
''કોઈપણ પાર્ટીમાંથી લડો, પણ ચૂંટણી જરૂર લડજો”
કાર્યક્રમ દરમિયાન ખજૂરભાઈએ હાજર લોકોને સંબોધતા કહ્યું કે, “ભણેલા લોકો રાજકારણમાં આવવા જોઈએ. કોઈપણ પાર્ટીમાંથી લડો, પણ ચૂંટણી જરૂર લડજો.”
''...ઈલેક્શનમાં વટ્ટથી ઉતરજો”
તેમણે ઉમેર્યું કે, “એટલા દિવસ સુધી ચૂંટણી લડવાની ઈચ્છા ન હતી, પણ હવે લાગે છે કે 2027માં ઉતરવું પડશે. જો તમારી દયા રહેશે તો હું પણ ચૂંટણી લડવા ઊભો રહીશ.” ખજૂરભાઈએ સમાજના લોકોમાં સામાજિક જવાબદારી અને રાજકીય જાગૃતિ લાવવાની અપીલ કરતાં કહ્યું કે, “જો સમાજ માટે કંઈક કરવાનું મન હોય, તો તમારા વિસ્તારથી ચૂંટણી લડજો, પાર્ટી ગમે એ હોય, પણ ઈલેક્શનમાં વટ્ટથી ઉતરજો.”
ખજૂરભાઈના રાજકીય નિવેદનોમાં એન્ટ્રી
નીતિન જાની એટલે કે, ખજૂરભાઈ છેલ્લા ઘણા વર્ષોથી પોતાની સેવાકીય અને માનવતાવાદી પ્રવૃત્તિઓને કારણે સતત ચર્ચામાં રહેતા આવ્યા છે. યુટ્યુબ અને સોશ્યલ મીડિયાના માધ્યમથી સમાજમાં સકારાત્મક સંદેશો પહોંચાડતા ખજૂરભાઈ હવે રાજકારણના મેદાનમાં પ્રવેશવાની તૈયારીમાં હોવાનું તેમના નિવેદનથી સ્પષ્ટ થાય છે.




















