સુરેન્દ્રનગર જિલ્લામાં ગોમટા ગામે એક સામૂહિક જમણવાર દરમિયાન બનેલી દુર્ભાગ્યપૂર્ણ ઘટનાએ વિસ્તારભરમાં ચકચાર મચાવી દીધી છે. જમણવારમાં પીરસાયેલી છાશ પીધા બાદ ગામના 200થી વધુ લોકોની તબિયત અચાનક બગડી ગઈ હતી. અસરગ્રસ્તોમાં નાના બાળકો, મહિલાઓ તેમજ યુવકોનો સમાવેશ થાય છે.
અસરગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા
સમગ્ર ઘટનાના પગલે તાત્કાલિક આરોગ્ય વિભાગ અને 108ની ટીમો ગામમાં પહોંચી ગઈ હતી અને બેભાન થવા લાગેલા તેમજ ઉલ્ટી જેવા લક્ષણો ધરાવતા લોકોને ઝડપભેર લીંબડી અને વઢવાણની વિવિધ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આરોગ્ય વિભાગે તપાસ હાથધરી
પ્રાથમિક તપાસ મુજબ ફૂડ પોઈઝનિંગનું કારણ શંકાસ્પદ છાશ હોવાનું મનાય છે. જમણવાર દરમિયાન તૈયાર કરાયેલી છાશમાં દૂધ અથવા પાણીની ગુણવત્તા ખરાબ હતી કે, પછી તેને યોગ્ય ઠંડકમાં ન રાખવાના કારણે બગાડ આવ્યો હશે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આરોગ્ય વિભાગે આ ઘટનાને ગંભીરતાથી લઈ તપાસ શરૂ કરી છે. શંકાસ્પદ છાશના નમૂનાઓ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે જેથી ફૂડ પોઈઝનિંગનું ચોક્કસ કારણ બહાર આવી શકે.
લોકોમાં ચિંતા
આ ઘટનાએ ગામજનો અને સમગ્ર જિલ્લામાં ખોરાકની સલામતી અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. સામૂહિક જમણવાર જેવી જગ્યાએ ખોરાક બનાવતી વખતે સ્વચ્છતા જાળવવી અને દૂધજન્ય પદાર્થોને યોગ્ય તાપમાનમાં રાખવા જેવી સાવચેતી લેવી જરૂરી છે. આરોગ્ય વિભાગના અધિકારીઓએ પણ ખોરાક પીરસતા અને બનાવતા લોકોને હાઇજિન અંગે જાગૃત રહેવા અપીલ કરી છે. આ દુર્ઘટનાએ ખોરાકની ગુણવત્તા અને આરોગ્ય સુરક્ષાને લઈને લોકોમાં ચિંતા ફેલાવી છે




















